લોકભવન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો; ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
ગાંધીનગર
ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ વિક્રાંત પાંડે, લોકભવનના સચિવ મેહુલ દવે સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાસાયણિક ખેતી છોડવાનો સંકલ્પ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના ગુરુકુલ કુરુક્ષેત્રના અનુભવો રજૂ કરતાં જણાવ્યું કે, અગાઉ ગુરુકુલની 180 એકર જમીનમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ થતો હતો. એક વખત ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલો મજૂર દવાની ઝેરી વાસથી બેભાન થઈ ગયો હતો અને ત્રણ દિવસની સારવાર બાદ તેનો જીવ બચ્યો હતો.
આ ઘટનાએ તેમને વિચારવા પ્રેર્યા કે જે દવાની વાસથી માણસ બેભાન થઈ જાય છે, તે જ રસાયણોના ઉપયોગથી તૈયાર થયેલો ખોરાક બાળકોને આપવો યોગ્ય નથી. ત્યારથી તેમણે રાસાયણિક ખેતી કાયમ માટે બંધ કરવાનો સંકલ્પ કર્યો.
જૈવિક ખેતીમાં વ્યવહારિક મુશ્કેલીઓ
રાજ્યપાલે જણાવ્યું કે શરૂઆતમાં કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી તેમણે જૈવિક ખેતી અપનાવી હતી, પરંતુ તેમાં અનેક વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘઉં અને ચોખા જેવા પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત અને છાણિયા ખાતરમાં રહેલા નાઈટ્રોજનના પ્રમાણને જોતા મોટા પ્રમાણમાં છાણિયા ખાતરની જરૂર પડે છે.
તેમના જણાવ્યા અનુસાર, આટલી મોટી માત્રામાં છાણિયું ખાતર મેળવવા માટે મોટી સંખ્યામાં પશુઓની જરૂરિયાત રહે છે, જે સામાન્ય ખેડૂત માટે વ્યવહારુ નથી. વધુમાં, મોટા પ્રમાણમાં છાણ ખેતરમાં નાખવાથી મિથેન ગેસના ઉત્સર્જન અને નિંદામણ વધવા જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.
5 એકરથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી
જૈવિક ખેતીના અનુભવ બાદ રાજ્યપાલે પાંચ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેમણે સમજાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓ, દેશી અળસિયાં અને મિત્ર કીટકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ પદ્ધતિમાં બહારથી ભારે પ્રમાણમાં ખાતર અથવા પ્રોસેસ્ડ જૈવિક ખાતર ખરીદવાની જરૂર રહેતી નથી.
તેમણે જણાવ્યું કે જંગલમાં કોઈ યુરિયા, ડીએપી, જંતુનાશક કે કૃત્રિમ સિંચાઈ આપતું નથી, છતાં વૃક્ષો ફળોથી ભરપૂર રહે છે. આ કુદરતી સિદ્ધાંતને જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ દ્વારા ખેતીમાં લાગુ કરી શકાય છે. તેનાથી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન અને જળધારણ ક્ષમતામાં વધારો થઈ શકે છે.
હિમાચલમાં 2.5 લાખથી વધુ ખેડૂતો જોડાયા
રાજ્યપાલે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના કાર્યકાળને યાદ કરતાં જણાવ્યું કે તેમણે પહાડી ગામડાઓમાં જઈ સફરજનના બગીચાઓ અને પોલીહાઉસના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી હતી. માત્ર બે વર્ષના સમયગાળામાં 35 હજાર ખેડૂતો આ અભિયાન સાથે જોડાયા હતા અને આજે હિમાચલમાં 2.5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ
રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોને તેમના પ્રાકૃતિક ઉત્પાદનોનું સીધું વેચાણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 300થી વધુ કાયમી વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
પરિસંવાદના અંતે રાજ્યપાલે મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીઓને પ્રાકૃતિક ખેતીનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને ધરતીને રસાયણમુક્ત કરવા, જળ-પર્યાવરણનું જતન કરવા અને માનવજાતના સ્વાસ્થ્યની રક્ષા માટેનો રાષ્ટ્રીય સેવા-યજ્ઞ ગણાવ્યો હતો. પરિસંવાદ બાદ તેમણે મીડિયા પ્રતિનિધિઓ સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કરી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાનની પ્રગતિ અંગે માહિતી આપી હતી.
