રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે સમીક્ષા બેઠક; 100 નવા TrueNAT અને 294 પોર્ટેબલ એક્સ-રે મશીનો ખરીદાશે
ગાંધીનગર:
દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીની આજે લોકભવન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી કામગીરી અને આગામી લક્ષ્યાંકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ટીબી નિયંત્રણ માટે જનઆંદોલન ઊભું કરવા રાજ્યપાલની તાકીદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુજરાતને ક્ષયમુક્ત બનાવવા માટે ટીબી મુક્ત ભારત અભિયાનને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવા સૂચના આપી હતી. સાથે જ ટીબીના દર્દીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા તેમજ ‘ટીબી મુક્ત ભારત પંચાયત’ માટે લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા પણ તાકીદ કરી હતી.
દરેક દર્દી સુધી સમયસર સારવાર પહોંચાડવા સૂચના
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યમાં ટીબીના દરેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી અસરકારક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
ટીબી મુક્ત ગુજરાત માટે આગામી લક્ષ્યાંકો રજૂ
બેઠક દરમિયાન રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી સમક્ષ ટીબી મુક્ત ગુજરાત માટે આગામી સમયગાળાના લક્ષ્યાંકો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાગરખેડુઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટને રોકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની તપાસ અને સારવાર વિનામૂલ્યે
ગુજરાતમાં ટીબીનું નિદાન અને સારવાર તમામ સબ-સેન્ટર તથા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યમાં 2,351 માઇક્રોસ્કોપી સેન્ટર, 3 અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, 74 CBNAAT મશીનો અને 393 TrueNAT મશીનો કાર્યરત છે.
100 નવા TrueNAT મશીનોની ખરીદી કરાશે
વર્ષ 2026-27 દરમિયાન રાજ્યના પ્રત્યેક તાલુકા તથા વધુ ટીબી ભારણ ધરાવતા જિલ્લાઓ માટે નવા 100 TrueNAT મશીનો ખરીદવામાં આવશે. તેના દ્વારા 100 ટકા અપફ્રન્ટ NAAT ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઘર-ઘર તપાસ માટે 294 પોર્ટેબલ એક્સ-રે મશીનો
સંભવિત ટીબી દર્દીઓની ઘર-ઘર જઈને તપાસ કરવા માટે રાજ્યમાં વધુ 294 પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો વસાવવામાં આવશે. આ વ્યવસ્થાથી સંભવિત દર્દીઓની વહેલી ઓળખ અને જરૂરી સારવાર શરૂ કરવામાં મદદ મળશે.
બાળકો અને ઓછા વજનના દર્દીઓને પોષણ સહાય
ટીબી સામેની લડતમાં પોષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ તથા 14 વર્ષથી નાના તમામ બાળકોને છ મહિના સુધી ‘રેડી ટુ ઈટ ન્યુટ્રીશન સ્નેક્સ’ આપવામાં આવશે.
નોડલ અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા સઘન પ્રયાસો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર નોડલ અધિકારીઓ, સ્વયંસેવકો, NCC કેડેટ્સ સહિતની ટીમો દ્વારા ટીબી અટકાવવા અને તેના નિયંત્રણ માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, રાજ્યપાલના અગ્ર સચિવ મેહુલ દવે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
