લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે BFIની પસંદગી પ્રક્રિયા જાહેર, ચાર તબક્કામાં થશે ક્વોલિફિકેશન
નવી દિલ્હી
લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે વધુમાં વધુ ભારતીય બોક્સરો ક્વોલિફાય થાય તે હેતુથી બોક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI)એ પસંદગી પ્રક્રિયાની વિસ્તૃત નીતિ જાહેર કરી છે. આ નીતિ મુજબ એશિયન ગેમ્સ-2026માં મેડલ જીતનારા ભારતીય બોક્સરોને તેમની સંબંધિત વેઇટ કેટેગરીમાં 2027માં કઝાકિસ્તાનમાં યોજાનારી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સીધી એન્ટ્રી મળશે.
ચાર તબક્કામાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન
BFIની પસંદગી નીતિ વર્લ્ડ બોક્સિંગ દ્વારા તૈયાર કરાયેલી અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા મંજૂર કરાયેલી ક્વોલિફિકેશન સિસ્ટમ પર આધારિત છે. લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશનની પ્રક્રિયા ચાર તબક્કામાં થશે.
2027ની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પ્રથમ ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે. ત્યારબાદ ચીનમાં એશિયન ક્વોલિફાયર યોજાશે અને 2028માં ઇટાલી તથા હંગેરીમાં બે વર્લ્ડ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ યોજાશે.
એશિયન ગેમ્સના મેડલ વિજેતા મુખ્ય એન્ટ્રી
BFIના પરિપત્ર અનુસાર, એશિયન ગેમ્સ-2026ના મેડલ વિજેતાઓને તેમની સંબંધિત વેઇટ કેટેગરીમાં મુખ્ય એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવશે. જ્યારે 10મી એલિટ નેશનલ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ વિજેતા તે કેટેગરીમાં રિઝર્વ એન્ટ્રી રહેશે.
જે વેઇટ કેટેગરીમાં ભારતે એશિયન ગેમ્સ-2026માં મેડલ મેળવ્યો નથી અથવા લોસ એન્જલસ ઓલિમ્પિકની એવી વેઇટ કેટેગરી છે જે એશિયન ગેમ્સમાં સામેલ નહોતી, તેમાં 10મી એલિટ નેશનલ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ વિજેતાને મુખ્ય એન્ટ્રી આપવામાં આવશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ એશિયન ક્વોલિફાયર
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોટા બાઉટ રાઉન્ડ સુધી પહોંચ્યા બાદ પણ ક્વોટા સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા બોક્સરોને એશિયન ક્વોલિફાયરમાં સીધી એન્ટ્રી મળશે. બાકીની જગ્યાઓ એલિટ નેશનલ કેમ્પર્સ વચ્ચે રેન્કિંગ સિલેક્શન ટ્રાયલ દ્વારા ભરવામાં આવશે.
આ માટે સંબંધિત બોક્સરોએ નક્કી કરાયેલા માર્ગ દ્વારા નેશનલ કોચિંગ કેમ્પમાં સ્થાન મેળવવું પડશે. 2028માં યોજાનારી ઇટાલી અને હંગેરીની બંને વર્લ્ડ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ માટે પણ સમાન પ્રક્રિયા અપનાવવામાં આવશે.
નેશનલ કોચિંગ કેમ્પમાં કોને સ્થાન મળશે?
BFIની નીતિ અનુસાર નેશનલ કોચિંગ કેમ્પની શરૂઆત 10મી એલિટ નેશનલ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓ, એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને BFI સિલેક્શન કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલા વાઇલ્ડ કાર્ડ બોક્સરો સાથે થશે.
BFI પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું કે આ નીતિ બોક્સરોને લોસ એન્જલસ-2028 સુધી પહોંચવા માટે સ્પષ્ટ અને વ્યવસ્થિત માર્ગ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. તેમાં નેશનલ કોચિંગ કેમ્પમાં સતત પ્રદર્શન તથા વર્લ્ડ બોક્સિંગની ક્વોલિફિકેશન ઇવેન્ટ્સને મહત્વ આપવામાં આવ્યું છે.
નોન-ઓલિમ્પિક કેટેગરી માટે પણ નિયમ નક્કી
નોન-ઓલિમ્પિક વેઇટ કેટેગરી માટે 10મી એલિટ નેશનલ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ વિજેતાને 2027 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મુખ્ય એન્ટ્રી બનાવવામાં આવશે, જ્યારે સિલ્વર મેડલ વિજેતા રિઝર્વ તરીકે રહેશે.
BFIએ જણાવ્યું છે કે પસંદગી પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાય તે માટે 2027-28ની પસંદગીના માપદંડ જાહેર કરવામાં આવ્યા છે. આ નીતિ 8 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા પસંદગી માપદંડના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવી છે.
