રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

Spread the love

મહેસાણાએ અમરેલીને 5-2થી હરાવ્યું, સુરતે ખેડાને 4-0થી અને ભરૂચે બોટાદને 15-0થી પરાજય આપ્યો

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડનો ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. ક્વોલિફાયર રાઉન્ડની મેચો 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ દિવસે મહેસાણા, સુરત અને ભરૂચની ટીમોએ પોતાના મુકાબલામાં વિજય મેળવ્યો હતો.

18 ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ

ગુજરાત સ્ટેટ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના માળખા મુજબ ગત વર્ષની કામગીરીના આધારે નવ ટીમો ફાઇનલ રાઉન્ડ માટે સીધી ક્વોલિફાય થઈ ચૂકી છે. તેમાં જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જુનાગઢ અને છોટાઉદેપુરની ટીમોનો સમાવેશ થાય છે.

ક્વોલિફાયર રાઉન્ડમાં મહેસાણા, અમરેલી, અરવલ્લી, સુરત, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગર, ડાંગ, કચ્છ, નવસારી, તાપી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા અને દાહોદ સહિત 18 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને છ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

મહેસાણાનો અમરેલી સામે 5-2થી વિજય

આજની પ્રથમ ક્વોલિફાયર મેચમાં મહેસાણાની ટીમે અમરેલીને 5-2થી હરાવી હતી. મહેસાણા તરફથી પ્રાંજલ, લૂભિત સૂર્ય, સુરજ, અખિલ અને મોહિતકુમારે એક-એક ગોલ નોંધાવ્યો હતો. અમરેલી તરફથી જીલ છાયાણીએ બે ગોલ કર્યા હતા.

સુરતે ખેડાને 4-0થી હરાવ્યું

બીજી મેચમાં સુરતની ટીમે ખેડા સામે શાનદાર પ્રદર્શન કરતાં 4-0થી વિજય મેળવ્યો હતો. સુરત તરફથી શેખ મોહમ્મદ સોએબે બે ગોલ કર્યા હતા, જ્યારે એસ્તેફાક શેખ અને શેખ મોહમ્મદ હનીફે એક-એક ગોલ નોંધાવ્યો હતો.

ભરૂચનો બોટાદ સામે 15-0થી એકતરફી વિજય

દિવસની ત્રીજી મેચમાં ભરૂચની ટીમે બોટાદ સામે પ્રભુત્વપૂર્ણ રમત દર્શાવી 15-0થી એકતરફી વિજય મેળવ્યો હતો. ભરૂચની ટીમે સમગ્ર મુકાબલા દરમિયાન આક્રમક રમતના આધારે મોટી જીત નોંધાવી હતી.

આવતીકાલે ત્રણ મુકાબલા

ક્વોલિફાયર રાઉન્ડમાં આવતીકાલે અમરેલી અને અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર તથા ભરૂચ અને ગીર સોમનાથ વચ્ચે મેચ રમાશે.

ત્રણ ટીમો નોકઆઉટ મારફતે ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે

છ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવનારી છ ટીમો વચ્ચે નોકઆઉટ મેચો રમાશે. નોકઆઉટ તબક્કામાંથી વિજેતા ત્રણ ટીમો ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે. આ ત્રણ ટીમો સાથે ગત વર્ષના પરિણામના આધારે સીધી ક્વોલિફાય થયેલી નવ ટીમો મળીને કુલ 12 ટીમો બનશે.

આ 12 ટીમોને ચાર-ચારની ત્રણ ગ્રુપમાં વહેંચીને 23થી 28 સપ્ટેમ્બર દરમિયાન લીગ મેચો રમાડવામાં આવશે. ત્યારબાદ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવનારી ટીમો વચ્ચે સુપર લીગ રમાશે અને તેના આધારે ટુર્નામેન્ટના વિજેતા તથા ઉપવિજેતાનો નિર્ણય કરવામાં આવશે.

સંતોષ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી પણ થશે

રિલાયન્સ કપ દરમિયાન ગુજરાતની સંતોષ ટ્રોફી ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાશે. ગુજરાતના સિલેક્ટરો અને નિયુક્ત કોચ દ્વારા ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીઓના પ્રદર્શનનું નિરીક્ષણ કરીને સંતોષ ટ્રોફી માટેના કેમ્પમાં પસંદગી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *