રિલાયન્સ કપમાં ભાવનગરનો ધમાકેદાર વિજય, કચ્છ અને દેવભૂમિ દ્વારકાની પણ જીત

Spread the love

ક્વાલિફાયર રાઉન્ડમાં ભાવનગરએ વલસાડને 6-2થી હરાવ્યું; કચ્છે નવસારીને 3-0 અને દેવભૂમિ દ્વારકાએ સાબરકાંઠાને 2-0થી માત આપી

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજનો ક્વાલિફાયર રાઉન્ડ ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહ્યો છે. ક્વાલિફાયર રાઉન્ડમાં 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે, જેમને છ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

ભાવનગરનો વલસાડ સામે 6-2થી વિજય

આજના પ્રથમ ક્વાલિફાયર મુકાબલામાં ભાવનગરની ટીમે વલસાડને 6-2થી હરાવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ભાવનગર તરફથી કૃષ્ણાએ ત્રણ ગોલ ફટકાર્યા હતા, જ્યારે ધ્રુવરાજસિંહ, સુખમનજીતસિંહ અને માનવેન્દ્રસિંહે એક-એક ગોલ નોંધાવ્યો હતો. વલસાડ તરફથી ધવલે બે ગોલ કર્યા હતા.

કચ્છે નવસારીને 3-0થી હરાવ્યું

બીજા મુકાબલામાં કચ્છ અને નવસારીની ટીમો આમને-સામને આવી હતી. કચ્છ તરફથી નરેન્દ્ર, આદેશ અને યસે એક-એક ગોલ કરીને ટીમને 3-0થી વિજય અપાવ્યો હતો. કચ્છની ટીમે સમગ્ર મેચ દરમિયાન નવસારી પર પ્રભુત્વ જાળવીને શાનદાર શરૂઆત કરી હતી.

દેવભૂમિ દ્વારકાની સાબરકાંઠા સામે જીત

આજના ત્રીજા મુકાબલામાં દેવભૂમિ દ્વારકાની ટીમે સાબરકાંઠાને 2-0થી પરાજય આપ્યો હતો. દેવભૂમિ દ્વારકા તરફથી આર્યરાજ અને ધવલે એક-એક ગોલ નોંધાવી ટીમને મહત્વપૂર્ણ વિજય અપાવ્યો હતો.

આવતીકાલે ત્રણ મુકાબલા

ક્વાલિફાયર રાઉન્ડમાં આવતીકાલે ભાવનગર અને ડાંગ, નવસારી અને તાપી તથા સાબરકાંઠા અને દાહોદ વચ્ચે મુકાબલા રમાશે. ક્વાલિફાયર રાઉન્ડના આ મુકાબલાઓ ટીમો માટે આગળના તબક્કામાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ રહેશે.

ગુજરાતની નેશનલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. આથી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ માટે પોતાના પ્રદર્શનના આધારે રાજ્યસ્તરીય ટીમમાં સ્થાન મેળવવાની તક રહેશે.

ક્વાલિફાયર રાઉન્ડમાં મહેસાણા, અમરેલી, અરાવલ્લી, સુરત, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગર, ડાંગ, કચ્છ, નવસારી, તાપી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *