ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કરતા ગામજનો ઉશ્કેરાયા હતા
અમરેલી
તાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો પીછો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હોય તેવા બે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ 51 વર્ષીય વ્યક્તિની શિડ્યૂલ-1ના પ્રાણીને હેરાન કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ મંગળવારે રાતે ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કર્યું હતું. પશુધન પર હુમલાના સમાચાર ગામમાં આગની જેમ ફલાઈ ગયા હતા અને ગ્રામજનો તેમના ઘરમાંથી લાકડી તેમજ અન્ય હથિયારો સાથે બહાર આવ્યા હતા અને સિંહના ટોળાને ભગાડવા તેમની પાછળ દોડ્યા હતા.
વાયરલ થયેલા બે વીડિયોમાંથી એક 25 સેકન્ડ જેટલો લાંબો હતો અને રાતમાં સિંહને મારવાનું શરૂ કર્યું બાદ તરત રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ગ્રામજનો લાકડીઓ સાથે સિંહના ટોળા પાછળ ભાગતા દેખાયા. જ્યારે અન્ય વીડિયોમાં રોષે ભરાયેલા યુવાનોનું એક જૂથ સિંહ પર લાકડીઓ ફેંકતા અને ગલીઓમાં તેમની પીછો કરતા જોવા મળ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ સિંહોનો ઘેરાવ કર્યો હતો અને તેમને શિકાર કરતાં અટકાવ્યા હતા.
મંગળવારે રાતે ગ્રામજનોએ પુખ્ય વયના ત્રણ બાળસિંહનો છેક ગામની સીમ સુધી પીછો કર્યો હતો અને તેમને બહાર ભગાડ્યા હતા જ્યારે સિંહણ પાછળ રહી ગઈ હતી અને તે ઝાડીઓમાં સંતાઈ ગઈ હતી. બુધવારે સવારે તેના પર ગ્રામજનોનું ધ્યાન જતાં તેના પર લાકડી ફેંકી હતી અને તેને ત્યાંથી ભગાડી હતી. જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મુખ્ય આરોપી કાનજી ચખાતની (51) ધરપકડ કરવામાં આવી છે. હુમલામાં સામેલ અન્ય ગ્રામજનોની પણ ઓળખ કરવામાં આવી છે’, શુક્રવારે કાનજીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અત્યારસુધીની સૌથી દુર્લભ ઘટના હતી, પરંતુ હવે સિંહની વસ્તી વધી રહી છે ત્યારે આવી ઘટનાઓ ફરીથી બની શકે છે. ‘તાલાલા ગીર અભ્યારણ્યને અડીને આવેલું છે અને તેથી અહીંના ગામડાઓમાં સિંહ જોવા મળવા તે સાવ સામાન્ય વાત છે. જો કે, આવા હુમલા ભાગ્યે જ થાય છે. પરંતુ હવે સિંહની વસ્તી વધવાની સાથે લોકો તેમના પશુધનને બચાવવા માટે પ્રયત્ન કરશે અને તેથી સંઘર્ષ વધશે’, તેમ તેમણે ઉમેર્યું હતું. માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ તે વાત પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો.