પતિને તેના કપડા ભીના હોવાની જાણ થયા બાદ કથિત રીતે 46 વર્ષીય પત્નીના ચહેરા પર મુક્કો માર્યો
અમદાવાદ
મેટ્રો સિટીમાં પણ મહિલા પર થતાં અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યા નથી. શહેરના પોલીસ સ્ટેશનોમાં ઘરેલુ હિંસા સહિતના કેસ નિયમિત નોંધાતા રહે છે. હાલમાં વેજલપુર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી, જ્યાં કામ પર જવા માટે તૈયાર થઈ રહેલા પતિને તેના કપડા ભીના હોવાની જાણ થયા બાદ કથિત રીતે 46 વર્ષીય પત્નીના ચહેરા પર મુક્કો માર્યો હતો. મહિલા દ્વારા વેજલપુર પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, જ્યારે તેણે તેના પતિને કપડા હાથમાં દીધા ત્યારે તેણે તે સરખી રીતે ન સૂકાયા હોવાનું કહ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે, આ તેના ગમતા કપડા છે અને તે જ પહેરવા પર ભાર મૂક્યો હતો. આટલી નાની વાતમાં તે ગુસ્સે થઈ ગયો હતો અને પત્ની સાથે અણછાજતું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે આ વાત સામે વાંધો ઉઠાવ્યો તો તેણે તેના ચહેરા પર મુક્કો માર્યો હતો. તેની સગીર વયની દીકરી તરત જ દોડી આવી હતી અને બચાવી લીધી હતી, તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો કે, તેનો પતિ સામાન્ય વાતમાં તેની સાથે મારઝૂડ કરતો હતો. આ સાથે તેણે તેમ પણ કહ્યું હતું કે, તેના પતિનું છેલ્લા ચાર વર્ષથી ઘરની નોકરણી સાથે અફેર ચાલતું હતું અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો. જ્યારે-જ્યારે તે બંનેના સંબંધો સામે વાંધો ઉઠાવતો હતો ત્યારે તે તેની સાથે ઝઘડો કરતો હતો તેમજ મારતો હતો.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગૃહિણી છે જ્યારે તેનો પતિ પ્રહલાનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓ બે દીકરીઓના માતા-પિતા છે, જેમાંથી એકની ઉંમર 20 વર્ષ તો એકની ઉંમર 13 વર્ષ છે. પહેલા તેના ઘરે જે રસોઈ કામ કરવા માટે મહિલા આવતી હતી તેની સાથે તેના પતિનું લફરું શરૂ થઈ ગયું હતું. આ વાતની જાણ જ્યારે તેને થઈ તો પતિને સમજાવ્યો હતો પરંતુ તે માન્યો નહોતો અને તેમના સંબંધો યથાવત્ રાખ્યા હતા. ઉપરથી મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
15મી જૂનના રોજ સવારે આશરે 9.30 વાગ્યાની આસપાસ તેનો પતિ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેને આગળના દિવસે રાતે ધોયેલા કપડા પહેરવા આપ્યા હતા. જો કે, તે સરખી રીતે સુકાયા નહોતા અને થોડા ભીના હતા. આ વાતથી તેનો પતિ ગુસ્સે થયો હતો અને ‘મારે અત્યારે આ કપડા પહેરવાના છે અને હજી સુકાયા નથી? તને ઘરનું કોઈ કામ ઢંગથી કરતા આવડતું નથી’ તેમ કહીને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જ્યારે મહિલાએ તેને શાંતિથી વાત કરવા માટે કહ્યું તો, ‘તને આ ઘરમાંથી કાઢી મૂકીશ અને ફરીથી બીજા લગ્ન કરીશ’ તેમ કહીને માર મારવાનું શરૂ કર્યું હતું જેના કારણે તેની જમણી આંખ પર મુક્કો મારતા ઈજા પહોંચી હતી. જે બાદ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ તે તેની મોટી દીકરી સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. વેજલપુર પોલીસે મહિલાના પતિ સામે અપશબ્દોનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડવા અને ગુનાહિત ધમકી આપવાની ફરિયાદ નોંધી હતી.