કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં રવિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજથી સ્થિતિ સામાન્ય રહેવાની પણ શક્યતા
અમદાવાદ
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ચક્રવાત બિપરજોય વિશે લેટેસ્ટ અપડેટ આપ્યું છે. આઈએમડીના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત ક્યાં છે. તેની ઝડપ શું છે અને આગળ શું થશે. તેમના જણાવ્યા અનુસાર, ‘ચક્રવાત તોફાન બિપરજોય ગઈકાલે મધ્યરાત્રિએ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું ગયું હતું. આજે સવારે તે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારો પર કેન્દ્રિત છે. આજે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિકલાકની રહેશે.
બિપરજોય વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુરુવારે સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જે શુક્રવાર આખા દિવસ બાદ શનિવારે પણ યથાવત રહ્યો. શહેરના કેટલાય વિસ્તારોમાંથી સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો તો કેટલીક જગ્યાએ ધોધમાર. બિપરજોયની અસર જેમ જેમ ઓછી થતી જશે અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે. હાલ પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ કાલથી વાતાવરણ સામાન્ય રહેશે તેવી આગાહી છે.
કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં રવિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સંજોગોમાં રાજ્યામાં રવિવાર સુધી વરસાદી માહોલ યથાવત રહી શે છે. આજે પણ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તથા પાટણમાં અતિભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હોવાથી અમદાવાદ-પાલનપુર હાઈવે પર ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડાને કારણે બંધ કરાયેલા દ્વારકાધીશ મંદિરના દ્વારા શુક્રવારે ખોલી દેવામાં આવ્યા હતા. ભક્તો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને બાદમાં ધ્વજારોહણ પણ કર્યું હતું. જ્યારે સોમનાથ મંદિરના દ્વાર 17 જૂન શનિવારથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં વાવાઝોડાને કારણે 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થયા, 263 રસ્તાઓ પ્રભાવિત થયા, 5120 જેટલા થાંભલાઓ ધરાશાયી, 4600થી વધુ ગામોમાં અંધારપાટ, 20 કાચા મકાન, 9 પાકા અને 65 ઝૂપડાનો સંપૂર્ણ નાશ થયો છે. માત્ર કચ્છની વાત કરીએ તો ત્યાં 3275 વૃક્ષ ધરાશાયી થયા, 63 રસ્તા અસરગ્રસ્ત, 1670 કાચા મકાન અને 275 પાકા મકાન અસગ્રસ્ત, 348 ઘરવખરીને નુકસાન, 71 પશુઓના મોત ઉપરાંત 33000 હેક્ટર જેટલો ખેતીવાડી વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જેના માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આજે સીએમ પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ કચ્છના અસગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિપરજોય વાવાઝોડું ભલે નબળું પડ્યું હોય પરંતુ તેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખાસ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને હજી પણ રવિવાર સુધી આવો જ માહોલ રહેવાની સંભાવના છે.