ભારત નિકાસ બજાર પર પ્રભુત્વ મેળવવા જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખરીદેલા ‘સબસિડીવાળા’ ચોખાનો ઉપયોગ કરી રહ્યો હોવાનો થાઈલેન્ડનો આક્ષેપ
નવી દિલ્હી
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં થાઈલેન્ડના રાજદૂત પિમચાનોક વોન્કોર્પોન પીટફિલ્ડની ટિપ્પણીથી ભારત ભારે ગુસ્સે થયું હતું. જેના પછી આ મંચ પર જ ભારતે થાઈલેન્ડનો બહિષ્કાર કરી દીધો અને ડબલ્યુટીઓમાં તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો.
ખરેખર થાઈ રાજદૂતે આરોપ લગાવ્યો હતો કે ભારત નિકાસ બજાર પર પ્રભુત્વ મેળવવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખરીદેલા ‘સબસિડીવાળા’ ચોખાનો ઉપયોગ કરી રહ્યો છે. તેમની આ ટિપ્પણીથી કૂટનીતિક વિવાદ સર્જાયો હતો. ભારતે તેનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભારતીય મંત્રણાકારોએ જ્યાં થાઈલેન્ડના પ્રતિનિધિ હાજર હતા એ જૂથોની ચર્ચામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
થાઈલેન્ડના રાજદૂતે મંગળવારે એક સલાહ સૂચન માટે આયોજિત બેઠકમાં આ ટિપ્પણી કરી હતી, જેનું સમૃદ્ધ દેશોના કેટલાક પ્રતિનિધિઓએ સ્વાગત કર્યું હતું. તેનાથી અહીં ભારતીય પ્રતિનિધિમંડળ નારાજ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે થાઈલેન્ડ હવે અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય દેશો સાથે ઊભું છે. આ દેશોએ એક દાયકા કરતાં વધુ સમયથી જાહેર સ્ટોક હોલ્ડિંગના કાયમી ઉકેલને બ્લોક કરી રાખ્યો છે. જ્યારે ભારત તેના ઉકેલ માટે સૌથી વધુ અવાજ ઉઠાવી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે થાઈ સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ યુએસટીઆર કેથરીન તાઈ અને ઈયુ કાર્યકારી ઉપાધ્યક્ષ વાલ્ડિસ ડોમ્બ્રોવસ્કી સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. ભારતના મજબૂત વલણે સ્પષ્ટ કર્યું છે કે તે આ પ્રકારની ભાષા અને વર્તનને સ્વીકારશે નહીં. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે થાઈ રાજદૂતે જે પણ કહ્યું તે હકીકતમાં ખોટું હતું. તેમણે કહ્યું કે સરકાર ખાદ્ય સુરક્ષાની જવાબદારીઓ પૂરી કરવા માટે માત્ર 40% ઉત્પાદન ખરીદે છે. ખેડૂતોની બાકીની પેદાશનો એક ભાગ ભારતમાંથી બજાર ભાવે નિકાસ કરવામાં આવે છે. તે સરકારી એજન્સીઓ દ્વારા ખરીદવામાં આવતું નથી.તા જેતરના વર્ષોમાં વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાનો હિસ્સો વધ્યો છે. પરંતુ ભારત દ્વારા તાજેતરના નિકાસ પ્રતિબંધોએ પશ્ચિમી દેશોને નારાજ કર્યા છે. વિકસિત દેશો એવું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં સબસિડીવાળા ચોખા વેચીને વૈશ્વિક વેપારને ખોરવી રહ્યું છે, જે સાચું નથી.
તેનાથી વિપરીત અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે નિયમો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે વેપારની શરતો સમૃદ્ધ દેશોની તરફેણ કરતી હતી. તેમણે કહ્યું કે સબસિડીની ગણતરી માટે કિંમત 1986-88ના સ્તરે નક્કી કરવામાં આવી હતી. તેનો અર્થ એ છે કે પ્રતિ કિલો રૂ. 3.20 થી વધુ ઓફર કરવામાં આવતી કોઈપણ કિંમતને સબસિડી તરીકે ગણવામાં આવશે. હાલમાં, તાજેતરના વિવાદનું મુખ્ય કારણ થાઈલેન્ડનો આરોપ છે કે ભારતની ચોખાની નિકાસ પર ભારે સબસિડી આપવામાં આવે છે, જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય બજારમાં અયોગ્ય લાભ મળે છે.