83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

Spread the love

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો

કોલકાતા

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (એનસીબીસી) એ ઓબીસીની કેન્દ્રીય યાદીમાં 83 જાતિઓનો સમાવેશ કરવાની રાજ્યની ભલામણ સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં આયોગે રાજ્યની યાદીમાં કેટલાક સમુદાયોના સમાવેશ સામે પણ વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.

અહેવાલ મુજબ મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે. હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો છે. પછાત વર્ગ આયોગનું કહેવું છે કે રાજ્ય સરકારે આ જાતિઓની સામાજિક અને શૈક્ષણિક પછાત હોવા પર નવો ડેટા રજૂ કર્યો નથી.

એનસીબીસીના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિરે કહ્યું, આ મામલો છ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. અમે મુખ્ય સચિવને ચાર વખત સમન્સ પાઠવ્યા હતા. તેમ છતાં અધિકારીઓ ન તો હાજર થયા છે અને ન તો સરકારે તેની ભલામણને સમર્થન આપવા માટે કોઈ ડેટા આપ્યો છે. છેવટે અમારે આ પ્રસ્તાવને નકારી કાઢવાની ફરજ પડી. તમને જણાવી દઈએ કે હાલમાં પશ્ચિમ બંગાળની 98 જાતિઓ કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ છે. રાજ્યએ વધુ 87 જાતિઓનો સમાવેશ કરવાની ભલામણ કરી છે, જેમાં 83 જાતિઓનો નવેસરથી સમાવેશ અને 4 જાતિના નામમાં સુધારાનો સમાવેશ થાય છે. આ અંગે આહિરે જણાવ્યું હતું કે, “નામાકરણમાં સુધારો સ્વીકારવામાં આવશે. પરંતુ ઓબીસીમાં 83 જાતિઓનો સમાવેશ સ્વીકાર્ય નથી કારણ કે રાજ્ય સરકારે તેને સંબંધિત ડેટા આપ્યો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *