મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ દિવસ સુધી લૂ ફૂંકાવાની સંભાવના
નવી દિલ્હી
ભારતના હવામાન વિભાગે (આઈએમડી) ના તાજેતરના એલર્ટ અનુસાર દેશભરમાં આ વર્ષે ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. માર્ચથી લઇને મે સુધી લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ દિવસ સુધી લૂ ફૂંકાવાની સંભાવના છે.
આઈએમડીના નિર્દેશકનું કહેવું છે કે અલ નીનોની ઘટનાને કારણે તાપમાન વધી શકે છે. જોકે હવે તે નબળું પડી ગયું છે પરંતુ તેની અસર મે સુધી વર્તાઈ શકે છે. એવામાં આપણે આ વર્ષે ભારે ગરમીનો સામનો કરવો પડશે.
આઈએમડીનું એવું પણ કહેવું છે કે આ વર્ષે માર્ચમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે માર્ચમાં ઉત્તર અને મધ્ય ભારતમાં લૂ ફૂંકાવાની કોઈ શક્યતા નથી. અલ નીનોની અસર મે સુધી વર્તાય તેવી શક્યતા છે. અલ નીનોને કારણે મધ્ય પેસિફિક મહાસાગરમાં દરિયાઈ સપાટી નિયમિત અંતરાળે ગરમ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 15 માર્ચ સુધી મહત્તમ તાપમાન સામાન્યથી નીચેથી રહેવાની આશા છે. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આશા છે કે તેના લીધે વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદથી પાકને નુકસાન થશે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ સાથે ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે. જોકે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાથી લાભ પણ થશે. ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન 14.61 રેકોર્ડ કરાયો હતો જે 1901 બાદ આ મહિનાનું બીજું મહત્તમ તાપમાન હતું.