ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ નામ પાછળ મોદી કા પરિવાર લગાવ્યું

Spread the love

મોદીએ મેરા ભારત મેરા પરિવાર ટિપ્પણી કરી ત્યાર પછી ભાજપના નેતાઓ ટ્વિટર પર બાયોમાં પોતાના નામની પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે

નવી દિલ્હી

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયો છે. અમિત શાહથી લઈને નીતિન ગડકરી સુધી ભાજપના તમામ મોટા નેતાઓ સોશિયલ મીડિયા પર પોતાના નામમાં ફેરફાર કરી દીધો છે અને નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા ભારત મેરા પરિવાર ટિપ્પણી કરી ત્યાર પછી ભાજપના નેતાઓ ટ્વિટર પર બાયોમાં પોતાના નામની પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે. આવા ફેરફાર કરનારા નેતાઓમાં અમિત શાહ અને ગડકરી ઉપરાંત જે પી નદ્દા, શેહઝાદ પૂનાવાલા વગેરે સામેલ છે.

આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવે તાજેતરમાં પટણામાં એક રેલી દરમિયાન મોદીના પરિવાર વિશે સવાલ ઉઠાવ્યા તે તેને ભારે પડી શકે છે. લાલુએ મોદી વિશે જે ટિપ્પણી કરી તેનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે. લાલુએ કહ્યું હતું કે મોદીને પરિવાર નથી તેમાં અમે શું કરી શકીએ? હવે ભાજપના નેતાઓ પોતાના નામ પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે.
ભાજપના અન્ય નેતાઓમાં મનસુખ માંડવિયા, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અનુરાગ ઠાકુર, પ્રવક્તા સંબિત પાત્રા, રાજ્ય સભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાંસદ મનોજ તિવારી, પ્રેમ સિંહ તવાંગ સહિત ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળ મોદી કા પરિવાર લગાવી દીધું છે.
2019ની લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદીએ ટ્વિટર પર ‘મેં ભી ચોકીદાર’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તે વખતે પણ ભાજપના નેતાઓ પોતાના નામની પાછળ ‘મેં ભી ચોકીદાર’ લગાવતા હતા અને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી આ રીતે નામ રાખ્યું હતું. આ વખતે ‘મોદી કા પરિવાર’ લાઈન લગાવવામાં આવી રહી છે.
આ પહેલ એવા સમયે શરૂ થઈ છે જ્યારે રાજદના નેતા લાલુ પ્રસાદ યાદવે તાજેતરમાં મોદીના પરિવાર વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે “આપણે શું કરી શકીએ કે મોદીને પરિવાર જ નથી.” લાલુએ પટણાના ગાંધી મેદાનમાં થયેલી મહારેલીમાં આ વાત કહી હતી. ભાજપના નેતાઓએ હવે આ મુદ્દો પકડી લીધો છે અને સૌ પોતાના નામની પાછળ મોદી કા પરિવાર લગાવી રહ્યા છે.
વડાપ્રધાને તેલંગણામાં પોતાની સ્પીચમાં જણાવ્યું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. આજે કરોડો દીકરીઓ,, માતાઓ અને બહેનો મોદી પરિવારની સભ્ય છે. આ દેશની દરેક ગરીબ વ્યક્તિ મારો પરિવાર છે. જેમનું કોઈ નથી તેમના મોદી છે અને તેઓ મોદીના છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *