પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની ટીમમાંથી બે ગુજરાતી ખેલાડીઓ રમે તેવી અપેક્ષા
ગાંધીધામ
પ્રમોદ ચૌધરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ તરીકેનો હવાલો 2022ની પાંચમી નવેમ્બરે સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના અભૂતપૂર્વ સતત વિકાસ માટે એક પીઠબળ રહ્યા છે.
સુરતના વતની તથા એક ઉદ્યોગપતિ અને શિક્ષણકાર શ્રી પ્રમોદ ચૌધરીએ રાજ્યની ટેબલ ટેનિસની રમતના લાંબા ગાળાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
એક વાર્તાલાપ દરમિયાન તેમણે ટેબલ ટેનિસના આયોજનને લગતી કેટલીક યોજનાઓ અને રમતના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી.
કેટલાક અંશો
પ્રશ્નઃ ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં સ્થાન હાંસલ કર્યું છે તે અંગે આપના પ્રતિભાવ?
ઉત્તરઃ રાષ્ટ્ર માટે આ ઐતિહાસિક ક્ષણ છે. મારા તમામ ટીટી સાથીદારોને આ અસામાન્ય સિદ્ધિ માટે હું અભિનંદન પાઠવું છું. હજી સુધી ટીમની રચના અંગે નિર્ણય લેવાયો નથી પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તેમાં બ ગુજરાતી સામેલ હશે.
પ્રશ્નઃ યોગ્ય અપેક્ષા છે કેમ કે ભારતના મોખરાના પાંચ ખેલાડીઓમાંથી ત્રણ ગુજરાતના છે. ગુજરાત ટીટી માટે તેનો શું અર્થ થયો?
ઉત્તરઃ આ સારી કામગીરી ઘણા ઘણા વર્ષો અગાઉ શરૂ થઈ હતી. આ આકરી મહેનતનું પરિણામ છે કે ગુજરાતના ત્રણ ખેલાડી ભારતના મોખરાના પાંચ ખેલાડીમાં સામેલ છે જેમાં હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા બે-અઢી વર્ષથી ભારતીય ટીમ માટે નિયમિતપણે રમી રહ્યા છે. આવું અગાઉ ક્યારેય બન્યું ન હતું. રાજયના ઉભરતા ખેલાડીઓ આ ત્રણને આદર્શ માને છે અને આવી જ ઉંચાઈએ પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.
પ્રશ્નઃ જીએસટીટીએના પ્રમુખ તરીકે તમારી સૌથી મોટી સિદ્ધિ કઈ છે?
ઉત્તરઃ 2022 બાદ જીએસટીટીએ આ કામગીરી ઉપાડી ત્યારથી હું એકલો નથી. આ એક ટીમવર્ક છે. જીએસટીટીએના હોદ્દેદારો ઉપરાંત ગુજરાતની સરકારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત મારફતે અમને ઘણી મદદ કરી છે. રાજ્યના રમત પ્રધાન શ્રી હર્ષ સંધવીએ સમગ્ર રાજ્યમાં ટેબલ ટેનિસના વિકાસ માટે રસ લીધો છે. મંત્રાલયે રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અમને ગ્રાન્ટ ફાળવી છે. જીએસટીટીએએ 2022માં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું અને ઘણા ઓછા સમયમાં અમે બે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ઉપરા ઉપરી આયોજન કર્યું હતું.
પ્રશ્નઃ આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃતમાં કહી શકશો?
ઉત્તરઃ ભારતમાં ઓલિમ્પિક્સ 2036નું આયોજન કરવાના ભારત સરકારના ઉદ્દેશને ભાગરૂપે એસએજીએ સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને સુરતમાં એસએજી-તાપ્તિ વેલી હાઈ પરફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર (એચપીટીટીસી)ની સ્થાપના કરી છે જ્યાં બે ફ્રેન્ચ કોચ જુલિયન ગિરાર્ડ અને સેડ્રિક રોલેયું તથા એસએજી દ્વારા નિયુક્ત કોચ મહાવીર કુમ્પાવત અને અંકિતા રાજ્યમાંથી પસંદ કરાયેલા 32 ખેલાડીઓને તાલીમ આપે છે. તેમની તાલીમ, ફૂડ, રોકાણ અને શિક્ષણ તમામ બાબતોની કાળજી લેવામાં આવે છે.
પ્રશ્નઃ નજીકના ભવિષ્ય માટે તમે કોઈ મોટી યોજના વિચારી છે?
ઉત્તરઃ ગુજરાતમાં એશિયા અને વિશ્વ કક્ષાની ટીટી ટુર્નામેન્ટ યોજવા માટે સરકાર અમને સહકાર આપી રહી છે. આ અંગે અમે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ) સાથે મંત્રણા કરી રહ્યા છીએ. હજી સુધી સ્થળ નક્કી થયું નથી પરંતુ જે સ્થળ પસંદ કરાશે ત્યાં શ્રેષ્ઠ હોટેલ અને ઇવેન્ટ માટેની સર્વશ્રેષ્ઠ સવલતો ઉપલબ્ધ રહેશે.
પ્રશ્નઃ જીએસટીટીએના પ્રમુખ તરીકે ઉભરતા ખેલાડીઓ માટે તમારો શું લક્ષ્યાંક છે?
ઉત્તરઃ અમારો લક્ષ્યાંક આ રમતનો ગુજરાતમાં પાયાના સ્તરથી વિકાસ કરવાનો છે. અમે દસથી 12 વર્ષની વયના ખેલાડીઓને તક આપીને તેમને શ્રેષ્ઠ તાલીમ આપવા માગીએ છીએ જેથી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ રહે. હરમિત, માનવ અને માનુષ જેવા ખેલાડીએ આમ કરી દેખાડ્યું છે અને હવે અમે આવા જ અન્ય ખેલાડી પેદા કરવા માગીએ છીએ.
પ્રશ્નઃ અત્યાર સુધીમાં માત્ર રાજ્યના ખેલાડીઓને જ સુરતમાં એચપીટીટીસી ખાતે પસંદ કરવામાં આવે છે. તમે રાજય બહારના ખેલાડીઓને તેમાં સમાવવા ઇચ્છો છો?
ઉત્તરઃ હા, અમને અન્ય રાજ્યોમાંથી પણ ઘણી પૃચ્છા આવી છે અને અમે તેમને અહીં જોડાવા માગીએ છીએ. અન્ય રાજયના મોખરાના ખેલાડીઓ સાથે નિયમિત પ્રેક્ટિસથી આપણા ખેલાડીઓને પણ મદદ મળી રહેશે. આ અંગે અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે.