રોહિત-ગિલની સદી સાથે ભારતના આઠ વિકેટે 473 રન

Spread the love

ભારતના પાંચ બેટરના 50થી વધુ રન, ડેબ્યુ ટેસ્ટમાં દેવદત્ત પડિકલના 65 રન, બશીરની ચાર વિકેટ

ધર્મશાલા

ધર્મશાલામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ પર પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં બનાવેલા 218 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 8 વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 255 રન થઈ ગઈ છે. સ્ટમ્પના સમયે જસપ્રીત બુમરાહ 55 બોલમાં બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને અણનમ અને કુલદીપ યાદવ 55 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ઓફ સ્પિનર ​​શોએબ બશીરે ચાર વિકેટ ઝડપી હતી.

પાંચમી ટેસ્ટમાં ભારતના ટોચના પાંચ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 103 રનની ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 110 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે 57 રન, ડેબ્યૂ કરનાર દેવદત્ત પડિકલે 65 રન અને સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત ભારતના ટોચના પાંચ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા છે.

રોહિત 162 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ 150 બોલમાં 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગિલે 12 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ બંનેના આઉટ થયા બાદ સરફરાઝ ખાન અને દેવદત્ત પડિક્કલ, જે પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહ્યો હતો તેમણે ચાર્જ સંભાળ્યો હતો. બંનેએ 97 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝે 60 બોલની ઈનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે પડિક્કલ 103 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિન તેની 100મી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયો હતો.

428 રનમાં 8 વિકેટ પડી ગયા બાદ કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે પણ બ્રિટિશ ખેલાડીઓ સામે સારી લડત આપી છે. બંનેએ 9મી વિકેટ માટે 108 બોલમાં 45 રનની ભાગીદારી કરી છે. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આજે જ ઓલઆઉટ થઈ જશે, પરંતુ બુમરાહ અને કુલદીપે એવું થવા દીધું નહીં. આ બંનેએ ઈંગ્લેન્ડના સ્પિનરોની સાથે-સાથે ઝડપી બોલરોને પણ ફટકાર્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *