ટી20 વર્લ્ડકપ માટે ખેલાડીઓની પસંદગી આઈપીએલમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે
નવી દિલ્હી
દરેક ખેલાડી વર્લ્ડકપ રમવાનું સપનું જોતો હોય છે. ભારતના તમામ ખેલાડીઓ પણ ઈચ્છશે કે તેમને વર્લ્ડકપમાં રમવાની તક મળે. ટી20 વર્લ્ડકપ 2024 આ વર્ષે જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નું આયોજન થશે. આવી સ્થિતિમાં મોટાભાગના ખેલાડીઓનું આયોજન હશે કે જો તેઓ આઈપીએલમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ સીધા ટી20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવશે. પરંતુ માત્ર આઈપીએલ પર નિર્ભર એવા ખેલાડીઓને મોટો ઝટકો લાગવાનો છે. બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા અનુસાર ટી20 વર્લ્ડકપ 2024માં ખેલાડીઓની પસંદગી માટે આઈપીએલ મુખ્ય આધાર રહેશે નહીં.
બીસીસીઆઈના સૂત્રે કહ્યું કે, “આઈપીએલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેના આધારે ટી20 વર્લ્ડકપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે એટલું પણ મહત્વપૂર્ણ નથી. આવી સ્થિતિમાં જો ખેલાડીઓ એવું વિચારતા હોય કે આઈપીએલ 2024માં સારું રમીને તેઓ ભારત માટે ટી20 વર્લ્ડકપ રમશે તો તે ખોટું છે.” બીસીસીઆઈના સૂત્રે સ્પષ્ટપણે કહ્યું કે, “ટી20 વર્લ્ડકપ માટે ખેલાડીઓની પસંદગી આઈપીએલમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.” આનાથી કેટલાંક ખેલાડીઓને મોટો ઝટકો લાગ્યો છે. એવા ઘણા ભારતીય ખેલાડીઓ છે જે ડોમેસ્ટિક ક્રિકેટ કરતા આઈપીએલને વધુ મહત્વ આપે છે.
કેટલાંક ખેલાડીઓ એવું વિચારતા હોય છે કે જો તેઓ આઈપીએલમાં સારું રમશે તો તેમને માત્ર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જ નહીં મળે પરંતુ આઈપીએલમાં તેમની કિંમત પણ વધી જશે. જેથી તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના બહાના બનાવે છે અને આઈપીએલ માટે તૈયારીઓ કરવા લાગે છે. ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી આ વિવાદને લઈને ચર્ચામાં છે. ઈશાન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે આઈપીએલ રમવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કારણથી બીસીસીઆઈએ તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ કર્યો છે. હવે જ્યારે બીસીસીઆઈના સૂત્રે કહ્યું કે આઈપીએલ ટી20 વર્લ્ડ કપ માટે પસંદગીનો મુખ્ય આધાર નહીં હોય. આનાથી ઘણા ખેલાડીઓને મોટો ઝટકો લાગ્યો હશે.