મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 418 રન બનાવ્યા જ્યારે વિદર્ભે પ્રથમ ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 368 રન બનાવ્યા
મુંબઈ
રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ નક્કી થઈ ગઈ છે અને ફરી એકવાર મુંબઈએ ટ્રોફી પર કબજો કરી લીધો છે. આ વખતે મુંબઈની સામે ફાઈનલમાં મહારાષ્ટ્રની જ વિદર્ભની ટીમ હતી. આ સાથે જ મુંબઈ 42મી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે. મુંબઈની આ જીતમાં ત્રણ પ્લેયરની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
મુંબઈની ટીમે ફાઈનલ મેચમાં વિદર્ભને 169 રનથી હરાવીને રણજી ટ્રોફી 2023-24નું ટાઈટલ જીતી લીધું છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના માટે મુશીર ખાન, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું. મુશીરે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. અય્યરે 95 રનની ઇનિંગ રમી હતી. મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 418 રન બનાવ્યા હતા. વિદર્ભે પ્રથમ ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા.
મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા મુંબઈની ટીમ પ્રથમ ઇનિંગમાં 224 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. આ દરમિયાન પૃથ્વી શોએ 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભૂપેન લાલવાની 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, કોઈ પણ બેટર લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો ન હતો. પરંતુ શાર્દુલ ઠાકુરે મુંબઈની ઈજ્જત બચાવી હતી. તેણે 69 બોલમાં 75 રન બનાવ્યા હતા. શાર્દુલે 8 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મુંબઈની પ્રથમ ઇનિંગ દરમિયાન વિદર્ભ તરફથી યશ ઠાકુર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી.
વિદર્ભની પ્રથમ ઇનિંગ પણ સારી ન હતી. તે માત્ર 105 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. વિદર્ભ માટે સૌથી વધુ 27 રન યશ રાઠોડે બનાવ્યા હતા. કરુણ નાયર શૂન્ય પર જયારે અથર્વ તાયડે 23 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ માટે શમ્સ મુલાની, તનુશ કોટિયન અને ધવલ કુલકર્ણીએ 3-3 વિકેટ લીધી હતી.
મુંબઈની ટીમે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. મુંબઈની બીજી ઇનિંગ 418 રનના સ્કોર પર સમેટાઈ હતી. આ દરમિયાન મુશીર ખાને સદી ફટકારી હતી. તેણે 326 બોલમાં 136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે 111 બોલમાં 95 રન બનાવ્યા. શમ્સ મુલાની 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન અજિંક્ય રહાણેએ 73 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન વિદર્ભ તરફથી હર્ષ દુબેએ 5 વિકેટ ઝડપી હતી. જયારે યશ ઠાકુરે 3 વિકેટ લીધી હતી.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ 368 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. વિદર્ભ તરફથી કેપ્ટન અક્ષય વાડકરે સદી ફટકારી હતી. તેણે 199 બોલમાં 102 રન બનાવ્યા હતા. હર્ષ દુબેએ 65 રનની ઇનિંગ રમી હતી. તનુશે વિદર્ભની બીજી ઇનિંગ દરમિયાન મુંબઈ તરફથી 4 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડેને 2 વિકેટ મળી હતી. મુશીર ખાને પણ 2 વિકેટ લીધી હતી. આ રીતે વિદર્ભને 169 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.