રણજી ટ્રોફીની ફાઈનલમાં શ્રેયસ ઐયરને પીઠમાં ફરી દુખાવો થયો

Spread the love

શ્રેયસે રણજી ટ્રોફી ફાઈનલમાં 95 રનની ઇનિંગ રમી હતી પણ પીઠમાં દુઃખાવો ફરી થતાં આઈપીએળની કેટલિક મેચ ગુમાવવી પડી શકે છે

નવી દિલ્હી

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને લઈને હાલમાં ઘણી ચર્ચા ચાલી હતી, કારણ કે તેને અને ઈશાન કિશનને બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યર વિશે બીસીસીઆઈનું માનવું હતું કે તેણે રણજી ટ્રોફીને મહત્વ આપ્યું નથી અને તે આઈપીએલ 2024ની તૈયારીઓ માટે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં પહોંચ્યો હતો. શ્રેયસ અય્યર રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મુંબઈ માટે છોડી ગયો હતો કારણ કે તેને પીઠનો દુખાવો હતો. જો કે નેશનલ ક્રિકેટ એકેડમીનું માનવું હતું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે, પરંતુ શ્રેયસ અય્યરની પીઠમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં ફરી દુખાવો થયો હતો.

શ્રેયસ અય્યરે વિદર્ભ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફી ફાઈનલમાં 95 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ ઇનિંગ દરમિયાન તેની પીઠની ઇજા ફરી સામે આવી હતી. ગયા વર્ષે તેણે આ ઈજા માટે સર્જરી કરાવી હતી અને હવે આ ઈજાને કારણે તે આઈપીએલ 2024ની કેટલીક મેચો ચૂકી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ એક મોટો ઝટકો છે, કારણ કે તે ટીમનો કેપ્ટન છે. હવે ટુર્નામેન્ટ શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે અને ટીમને 23 માર્ચે તેની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા એક મહત્વપૂર્ણ ખેલાડીની ઈજા માત્ર કેકેઆર માટે મોટો ઝટકો નથી, તે બીસીસીઆઈ અને એનસીએના વલણ પર પણ સવાલો ઉભા કરે છે.

શ્રેયસ અય્યરને મંગળવારે તેની બેટિંગ દરમિયાન પીઠના દુખાવા માટે બે વખત મુંબઈના ફિઝિયો પાસે સારવાર લેવી પડી હતી. ગઈકાલે રણજી ટ્રોફી ફાઈનલના ચોથા દિવસે અય્યર આખો દિવસ મેદાનમાં ઉતરી શક્યો ન હતો. મળેલા અહેવાલ મુજબ અય્યર પોતાની પીઠના સ્કેન માટે હોસ્પિટલમાં ગયો હતો. એક સૂત્રે જણાવ્યું હતું કે, “ઈજા સારી દેખાઈ રહી નથી. તે એ જ પીઠની ઈજા છે જે વધી ગઈ છે. તે રણજી ટ્રોફી ફાઈનલના પાંચમા દિવસે મેદાનમાં ઉતરે તેવી શક્યતા નથી. તે કદાચ આઈપીએલ 2024ની શરૂઆતની મેચોમાં પણ રમી શકશે નહીં.

વિદર્ભ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલમાં 30-40 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ શ્રેયસે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. સૂત્રે જણાવ્યું હતું કે, “હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે સમાપ્ત થયેલ ટેસ્ટ સીરિઝ દરમિયાન તેણે ભારતીય ટીમ મેનેજમેન્ટને આ ઈજા વિશે જાણ કરી હતી, જે તેને ફરીથી પરેશાન કરી રહી છે.” જો કે એનસીએ મેડિકલ ટીમના વડા નીતિન પટેલે તેને ફિટ જાહેર કર્યો હતો. બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી વંચિત રાખ્યો હતો કારણ કે તે રણજી ટ્રોફી મેચ નથી રમી રહ્યો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *