વિમાનથી સલામત અંતરે ઉડી રહેલા અન્ય વિમાનમાંથી તેનો વિડીયો લઇ શકાયો છે અને તે વાયરલ પણ થઇ ચૂકયો છે
વાનકુવર (કેનેડા)
કુદરત સામે માનવીનું કશુ ચાલતું નથી. થોડા જ સમય પહેલાં પ્રકૃતિનું એક તાંડવ નૃત્ય જોવા મળ્યું. એર કેનેડાનું બોઇંગ – ૭૭૭ વિમાન, વાનકુવરથી લંડનના હીથ્રો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. સામાન્ય રીતે વિમાનો કેટલાક કિ.મી. કાપ્યા પછી વાદળોની ઉપર ચાલ્યું જતું હોય છે. પરંતુ તે તબક્કે તે પહોંચે તે પહેલા જ અચાનક તેની ઉપર વીજળી ત્રાટકી હતી. વિમાનમાં આશરે ૪૦૦ લોકો સવાર હતા. પરંતુ પ્રભુ કૃપાથી તે સર્વે બચી ગયા.
ખરી વાત તે છે કે, વીજળી પડવાની વિમાન ઉપર કોઈ અસર થતી જ નથી હોતી. વિમાન બનાવતી વખતે જ તેનાં બહારના લેયરને એવું બનાવેલું હોય છે કે જેથી વીજળીની કોઈ અસર ન થાય. પ્લેનનું બોડી બનાવતી વખતે પહેલા તેમાં કાર્બન મિક્ષ કરવામાં આવે છે. તે પછી સમગ્ર પ્લેનની દરેક બાજુને ત્રાંબાની પાતળી પટીથી આવૃત્ત કરાય છે. જયારે વીજળી પડે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓને તેનો અવાજ જરૂર સંભળાય છે, પરંતુ ફલાઇટ ઉપર તેની અસર થતી નથી.
ઉલ્લેખનીય તે છે કે તે સમયે તે વિમાનથી સલામત અંતરે ઉડી રહેલા અન્ય વિમાનમાંથી તેનો વિડીયો લઇ શકાયો છે અને તે વાયરલ પણ થઇ ચૂકયો છે. જે આશરે ૧૦ લાખ લોકોએ નિહાળ્યો પણ છે.
જો કે આવી ઘટના કૈં પહેલી વાર બની નથી. ઘણીવાર બની હોય છે. વિજ્ઞાનીઓ વિમાન પર વીજળી પડી હોવા છતાં યાત્રીઓ શા માટે બચી જાય છે. તે અંગે તેવું પણ તારણ આપે છે કે વિમાનનું બોડી તો મેટાલિક મટિરિયલનું હોય. પરંતુ તેની નીચે બેડ-કન્ડકટર લેયર્સ હોય છે. નહીં તો બોડી ઠરે સાથે પ્રવાસીઓ ઠરી જાય. તે બેડ કન્ડકટર લેયર વીજળી સામે બચાવ કરે છે. બીજું વીજળીની અસર બહારના મેટાલિક લેયર પર જ રહે છે તેથી પણ બચાવ થાય છે.