વિપક્ષી નેતાઓ તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે તેમની પ્રતિબદ્ધતા સાબિત થશેઃ હસીના
ઢાકા
બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ સંબંધમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અબુલ હસન અલીએ કરી હતી.
બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપી અને તેના સહયોગી દળના નેતાઓ ત્યાં ભારતનો પ્રભાવ ઓછો કરવા માટે ‘ઈન્ડિયા આઉટ કેમ્પેઈન’ ચલાવી રહ્યા છે. જેથી શેખ હસીના સરકારનું આ પગલું મહત્ત્વનું બની રહેશે. આ કેમ્પેઈન અંતર્ગત તેઓ બાંગ્લાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. તાજેતરમાં બીએનપી નેતા રૂહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી.
આ ઘટના બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નિશાન સાધતા કહ્યું હતું કે, ‘શું તેઓ ભારતીય મસાલા વગરનું ભોજન ખાઈ શકે છે?’ શેખ હસીનાએ એમ પણ કહ્યું હતું કે, ‘જ્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ તેમની પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે ખરેખર પ્રતિબદ્ધ છે.’
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ, વાણિજ્ય મંત્રાલયની સરકારી સંસ્થા, ભારતની નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ પાસેથી જી-ટુ-જી ધોરણે ડુંગળીની આયાત કરશે. જો કે ડુંગળીના ભાવ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કેબિનેટ વિભાગના અધિક સચિવનું કહેવું છે કે ભારતમાંથી ડુંગળીની આયાતને મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ કેબિનેટ કમિટીને મોકલવામાં આવશે. ત્યારે ડુંગળીના ભાવ જાહેર થઈ શકે છે.
ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બાંગ્લાદેશ અને યુએઈને રાહત આપતા રમઝાન અને ઈદ પહેલા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓએ ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગને સમર્થન આપે છે, બાંગ્લાદેશના લોકોને નહીં. આ જ કારણ છે કે બાંગ્લાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવી રહ્યા છે. તેમજ ભારતીય ઉત્પાદકોનો બહિષ્કાર કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. બાંગ્લાદેશને 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી મળી છે. તેમજ સંયુક્ત આરબ અમીરાતમાં 14 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, બાંગ્લાદેશે વર્ષ 2021-22માં ભારત પાસેથી સૌથી વધુ ડુંગળીની ખરીદી કરી છે. ભારત દ્વારા ડુંગળીની કુલ નિકાસમાંથી 37.91 ટકા બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવી છે.
બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓનું કહેવું છે કે ભારતના સમર્થનને કારણે જ બાંગ્લાદેશની એકતરફી ચૂંટણી અને શેખ હસીનાની સરકારને વૈશ્વિક ઓળખ મળી છે. તેથી ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન દ્વારા ભારત અને તેના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે. વિશ્લેષકોનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશના લોકોમાં ભારત વિરોધી ભાવના વધી છે. ભારતના વિરોધનું સૌથી મોટું કારણ શેખ હસીનાની પાર્ટી આવામી લીગને ભારતનું સમર્થન છે જે છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. બીએનપી કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે આવામી લીગ 15 વર્ષથી સત્તામાં છે કારણ કે તેને ભારતનું સમર્થન છે.