નેતાના રાજકોટના ઘર-કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત, ખાનગી બાઉન્સર- સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા
ગાંધીનગર
લોકસભાની રાજકોટ બઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.
રાજકોટમાં સ્થીત પરશોત્તમ રૂપાલાના ઘરે અને તેમના ભાજપ કાર્યાલયે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાનગી બાઉન્સર અને સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં એક પીએસઆઈ સાથે ત્રણ પોલીસકર્મી સહિત ચાર પોલીસ જવાનને સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે.
ગરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે. આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.