તો ઘણા લોકો મીડિયાના સવાલોનો જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરી ભાગતા જોવા મળ્યા, મોટાભાગના લોકો ગુજરાત પંજાબ અને દક્ષિણ ભારતના

મુંબઈ
માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સ 4 દિવસથી અટકાવાયેલી ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. મીડિયા અહેવાલો મુજબ સવારે લગભગ 4.30 કલાકે 276 લોકો ફ્લાઈટમાં પરત આવ્યા છે. એરપોર્ટ પહોંચતા જ સીઆઈએસએફએ તેમની પૂછપરછ કરી હતી. તો ઘણા લોકો મીડિયાના સવાલોનો જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરી ભાગતા જોવા મળ્યા હતા. મળતા અહેવાલો મુજબ મોટાભાગના લોકો ગુજરાત પંજાબ અને દક્ષિણ ભારતના છે. મળતા અહેવાલો મુજબ આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારત આવવાની હતી. જોકે કેટલાક લોકોએ પરત ન ફરવા જીદ કરતા ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જવાની માંગ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, 22 ડિસેમ્બરે સાઉદી અરેબિયાના દુબઈ એરપોર્ટ પરથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતા એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી. અધિકારીઓને બાતમી મળી હતી કે, ફ્લાઈટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે, ત્યાર બાદ ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી.
અગાઉ ફ્લાઈટથી 300 મુસાફરો ભારત આવી રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. આમાંથી 25 ભારતીયોએ ફ્રાન્સમાં જવા દેવા મંજૂરી માંગી છે. જોકે તેમને પેરિસના સ્પેશલ ઝોન ‘ચાર્લ્સ ધ ગૉલ’ એરપોર્ટ પર મોકલી દેવાયા છે, જ્યાં શરણ માંગનારાઓને રાખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્રાન્સ પોલીસે માનવ તસ્કરીની આશંકાએ 2 લોકોની ધરપકડ બાદ પુછપરછ કરી છોડી મુક્યા છે. બંને પર ફ્રાન્સના કાયદા મુજબ કેસ નોંધાવાનો હતો, જોકે સિંગલ જજ સામે રજુ કર્યા બાદ તેમને છોડી મુકાયા છે. હાલ બંનેને સાક્ષી તરીકે રખાયા છે. બીજીતફ ફ્રાન્સીસી ટીવી ચેનલે દાવો કર્યો છે કે, ફ્લાઈટના કેટલાક પેસેન્જર ફ્રાન્સના બદલે નિકારાગુઆ જવા ઈચ્છતા હતા.
ફ્રાન્સીસી ન્યૂઝપેપર લા મોંડના અહેવાલો મુજબ દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટના મુસાફરો પોતાની મરજીથી આવ્યા છે, તેથી ફ્રાન્સ પોલીસ માનસ તસ્કરીની આશંકાએ કેસની તપાસ બંધ કરી દીધી છે. હવે આ મામલાને ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યો છે.
પેરિસના સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે, એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઈટને અટકાવાઈ હતી. આ ફ્લાઈટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ચાર્ટડ રોમાનિયાની વિમાન કંપનીનું હોવાનું પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, નિકારાગુઆ મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ અને ન્યુયોર્ક રાજ્યના ક્ષેત્રફળ કરતા થોડો મોટો છે. આ દેશ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા માટે સ્વર્ગ સમાન છે. હજારોની સંખ્યામાં ગેરકાયદે પ્રવાસીઓ આ દેશનો ઉપયોગ કરી અમેરિકા-મેક્સિકોની સરહદે પહોંચતા હોય છે. પ્રવાસીઓ માટે નિકારાગુઆનો રસ્તો ખુબ જ પડકારજનક અને જોખમ ભર્યો હોવાનું પણ કહેવાય છે.