આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

Spread the love

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ

નવી દિલ્હી

ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે તેની સીવિજિલ એપ્લિકેશન દ્વારા 79,000 થી વધુ ફરિયાદો મળી છે.
ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ ગઇ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને જે ફરિયાદો મળી હતી તેમાંની મોટા ભાગની એટલે કે 58,500 થી વધુ ફરિયાદો (કુલ 73%) ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો વિરુદ્ધ હતી, 1,400 ફરિયાદો પૈસા, ભેટ અને દારૂના વિતરણને લગતી હતી, જ્યારે 2,454 મિલકત પર પેમ્ફ્લેટ વગેરે ચોંટાડવાની કે દીવાલોને પર લખાણ લખીને તેને ગંદી કરવાને લગતી હતી.
ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે તેમને હથિયારોના પ્રદર્શન અને ધાકધમકી અંગે 535 ફરિયાદો મળી હતી, જેમાંથી 529નું નિરાકરણ કરવામાં આવ્યું હતું. લગભગ 1,000 ફરિયાદો પ્રતિબંધિત સમયગાળાની બહારના પ્રચાર માટે હતી, જેમાં નિયત સમયમર્યાદા કરતા વધુ સમય સ્પીકર્સનો ઉપયોગ કરવાનો સમાવેશ થતો હતો.
નોંધનીય છે કે સીવિજિલ એ એક મોબાઇલ એપ્લિકેશન છે જે નાગરિકોને રાજકીય ગેરવર્તણૂકની ઘટનાઓની જાણ કરવાની મંજૂરી આપે છે. ચૂંટણીની દેખરેખ અને ઝુંબેશની અવ્યવસ્થા ઘટાડવામાં સીવિજિલ એક અસરકારક માધ્યમ બની ગયું છે. આ મોબાઇલ એપ્લિકેશન વાપરવી પણ સરળ છે. તેમાં ઓડિયો, વીડિયો ફોટા પણ લેવાની સગવડ છે.
ચૂંટણી પંચે 16 માર્ચે 2024ની લોકસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી. સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે શરૂ થશે અને 4 જૂને મતગણતરી થશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *