અંડર 14,17,19 વયજૂથના ખેલાડીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી યોજાશે કબડ્ડી સ્પર્ધાઓ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લામાં શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધોળકાની સી.વી.મિસ્ત્રી હાઈસ્કૂલ ખાતે અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો છે.અમદાવાદ જિલ્લાની શાળાઓના અંડર 14,17,19 વયજૂથના ખેલાડીઓ ત્રણ દિવસ સુધી ચાલનારી જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધાઓમાં ભાગ લેશે. વિવિધ વય જૂથના અંદાજીત 300 જેટલા ખેલાડીઓ વચ્ચે દરરોજ કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે. જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ અને ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા તથા ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્યએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

