કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો
ન્યુયોર્ક
થોડા જ દિવસોમાં ભારતીય દૂતાવાસ પર હુમલામાં સામેલ અવતાર સિંહ ખાંડાનું મૃત્યુ, પાકિસ્તાનમાં પરમજીત સિંહ પંજવડ અને કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો છે. એટલું જ નહીં યુકે, અમેરિકા અને કેનેડામાં બેઠેલા ખાલિસ્તાન તરફી આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. નિજ્જરના મોત બાદ તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે ગોળીઓનો જવાબ બોમ્બથી આપવામાં આવશે. તે સતત ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યો છે અને પંજાબમાં શીખ યુવાનોને આતંકવાદ સાથે જોડાવા માટે ઉશ્કેરી રહ્યો છે. પન્નુ ક્યારેક અમેરિકામાં રહે છે તો ક્યારેક બ્રિટનમાં વધુ નફરતના વીડિયો રિલીઝ કરે છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ખાલિસ્તાન તરફી મોસ્ટ વોન્ટેડ નવ આતંકવાદીઓની યાદીમાં પન્નુનું નામ પણ સામેલ છે.