ઈમ્ફાલ
દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. પરિસ્થિતિને જોતા શહેરમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને પરત બોલાવવામાં આવી છે. હિંસાગ્રસ્ત શહેરમાં ઘણા દિવસો સુધી શાંત માહોલ બાદ આજે બપોરે ફરીથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.
સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે આજે બપોરે ઝઘડો થયો હતો. સ્થાનિક બજારમાં એક જગ્યાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેણે થોડી જ વારમાં ભયંકર વળાંક લીધો હતો. વિસ્તારમાં આગચંપી શરૂ થઈ ગઈ. આવા અહેવાલો મળ્યા બાદ પ્રશાસને રાજધાનીમાં કર્ફ્યુ જાહેર કરી દીધો છે.
મણિપુર ઘણા મુદ્દાઓને કારણે એક મહિનાથી વધુ સમયથી સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, આદિવાસીઓએ અનુસૂચિત જનજાતિના દરજ્જાની તેમની માંગનો વિરોધ કરવા માટે 3 મેના રોજ એકતા કૂચ કર્યા પછી પહાડી રાજ્યમાં અથડામણો ફાટી નીકળી હતી. એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી હિંસામાં 70થી વધુ લોકોના મોત થયા હતા. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં દુષ્કર્મીઓ દ્વારા કરોડોની સરકારી સંપત્તિને આગ લગાવી દેવામાં આવી હતી. હિંસાને કારણે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી.