મુંબઈ
રિલાયન્સ ફાઉન્ડેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી)એ આજેવિમેનકનેક્ટ ચેલેન્જ ઈન્ડિયાના બીજા રાઉન્ડની ગ્રાન્ટ માટેના વિજેતાઓની જાહેરાત કરી છે, આ ચેલેન્જનો હેતુ ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની ડિજિટલ અસમાનતાને સમાપ્ત કરવાનો અને મહિલાઓને વૈશ્વિક અર્થતંત્રમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે.
કુલ 260થી વધુ અરજદારોમાંથી સામાજિક ક્ષેત્રની સાત સંસ્થાઓને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અનુદાનમાં રૂપિયા એક કરોડ (અંદાજે $120,000) સુધીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે, જેથી મહિલાઓની ટેકનોલોજી સુધી પહોંચને મર્યાદિત કરતા અવરોધોને દૂર કરી શકાય. સમગ્ર ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, મહિલાઓની આગેવાની હેઠળના સૂક્ષ્મ સાહસો અને સમૂહો તથા સ્વ-સહાય જૂથોને નિષ્ણાતો અને પ્રેક્ટિશનરોના માર્ગદર્શન મળી રહે તે માટે તેમના સુધી પહોંચી શકાય અને તેમને સહાય કરી શકાય તે માટે અમેરિકી સરકારે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે.
વિજેતાઓની જાહેરાત બુધવારે એક સમારંભમાં ‘એક્સીલેરેટિંગ ડિજિટલ ઈન્ક્લુઝનઃ બ્રિજિંગ ધ જેન્ડર ડિજિટલ ડિવાઈડ ઈન ઈન્ડિયા’માં કરવામાં આવી હતી, અહીં મુખ્ય નિષ્ણાતો અને સંસ્થાઓ એકત્ર થયા હતા.
યુએસએઇડ/ઇન્ડિયા મિશન ડિરેક્ટર વીણા રેડ્ડીએ આ પ્રસંગે બોલતાં જણાવ્યું હતું કે, “યુનાઈટેડ સ્ટેટ્સ સંકળાયેલા વિશ્વના વ્યૂહાત્મક મહત્વને જાણે છે. યુએસએઇડ ભવિષ્ય માટે કામ કરે છે જ્યાં ડિજિટલ ટેક્નોલોજી સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વ્યવહારુ અને લોકશાહી સમાજને પ્રોત્સાહન આપે છે અને સૌથી વધુ સંવેદનશીલ સહિતના તમામને સશક્ત બનાવે છે. યુએસએઇડ વિમેન કનેક્ટ ચેલેન્જ ઈન્ડિયાના રાઉન્ડ વનની સફળતાથી પ્રેરાઈને આગળ વધવા ઉત્સાહિત છે. રાઉન્ડ ટુ પ્રોજેક્ટ ડિજિટલ ટૂલ્સ, વિશિષ્ટ તાલીમ અને વ્યવસાયની તકોને વિસ્તારીને ડિજિટલ અસમાનતાને દૂર કરવા માટેની પ્રગતિને વેગ આપશે.”
રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર જગન્નાથ કુમારે જણાવ્યું કે, “અમે જાતિ આધારિત ડિજિટલ અસમાનતાને સમાપ્ત કરવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે અમારું માનવું છે કે ભારતની ડિજિટલ ક્રાંતિ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ માટે અપાર સંભાવનાઓ પૂરી પાડે છે. વિમેન કનેક્ટ ચેલેન્જ ઈન્ડિયાના પ્રથમ રાઉન્ડમાં સમાવિષ્ટ ડિજિટલ સમાવેશ માટેના નવીન અભિગમોમાં અમે આ જોઇ શક્યા હતા. અમે મહિલાઓને ઉન્નત આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને શીખવાની તકો સાથે ત્યારે ખીલતી જોઈ છે જ્યારે તેમને ડિજિટલ સશક્તિકરણ પૂરું પાડનારા લાભો સુધી પહોંચવામાં સક્ષમ બનાવવામાં આવી. વિમેન કનેક્ટ ચેલેન્જ ઈન્ડિયા રાઉન્ડ ટુ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન યુએસએઇડ સાથેની ભાગીદારીમાં 350,000 મહિલાઓ અને તેમના સમુદાયો પર સકારાત્મક અસર ઊભી કરવા માટેની ઉત્પન્ન થયેલી ગતિને આગળ વધારવાનું લક્ષ્ય રાખે છે.”
બીજા રાઉન્ડના વિજેતાઓ આ મુજબ છે:
● ધ ગોટ ટ્રસ્ટ, ઉત્તર પ્રદેશ અને આસામમાં પશુપાલનનો વ્યવસાય કરતી મહિલાઓને સામુદાયિક પશુધન સંભાળ પૂરી પાડનારાઓ માટે ડિજિટલ કુશળતાનું નિર્માણ કરશે.
● એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન, તામિલનાડુ, પુડુચેરીમાં આઇસીટી ટેક્નોલોજી અને ઇનોવેશન્સના વૈવિધ્ય થકી પોસ્ટ-હર્વેસ્ટ ફિશરિઝ ક્ષેત્રે મહિલા સમૂહોની ક્ષમતાનું નિર્માણ કરશે.
● મંજરી ફાઉન્ડેશન, ગ્રામીણ મહિલાઓને મહિલા સમૂહોમાં ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ સેવાઓનો ઉપયોગ અને રાજસ્થાનમાં ઉદ્યોગસાહસિકતાની તકો અંગે તાલીમ આપશે.
● ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં મહિલાઓ માટે ડિજિટલ કનેક્ટિવિટી અને સેવાઓનો ઉપયોગ કરવાની તાલીમ અને સુવિધા આપશે.
● સેવન સિસ્ટર્સ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, આસામમાં ગરીબ અને સીમાંત પરિવારોના મહિલા સ્વ-સહાય જૂથો અને કિશોરવયની દીકરીઓ વચ્ચે ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
● ACCESS ડેવલપમેન્ટ સર્વિસિઝ, રાજસ્થાનમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને એપ્લિકેશન આધારિત તાલીમ આપશે.
● યુગાંતર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ગેમ્સ, વીડિયો અને અન્ય ઇન્ટરેક્ટિવ ટૂલ્સ દ્વારા નાણાકીય અને ડિજિટલ ઉપયોગોને પ્રોત્સાહન આપશે.
રાઉન્ડ ટેબલ દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસએઇડે વિમેન કનેક્ટ ચેલેન્જ ઈન્ડિયા તરફથી તેમનું પ્રથમ સંયુક્ત પ્રકાશન બહાર પાડ્યું, જેનું શીર્ષક ‘વિમેન કનેક્ટેડ: સ્ટ્રેટેજિસ ફોર બ્રિજિંગ ધ જેન્ડર ડિજિટલ ડિવાઈડ ઈન ઈન્ડિયા’ હતું અને તે આ દિશાની સમજનો સારાંશ આપે છે. ઑગસ્ટ 2021માં શરૂ થયેલી ચેલેન્જના રાઉન્ડ વન દ્વારા 10 સંસ્થાઓએ ભારતના 19 રાજ્યોમાં 320,000થી વધુ મહિલાઓ અને યુવતીઓ સુધી ડિજિટલ અસમાનતા સમાપ્ત કરવાના સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ પ્રકાશન ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વર્તણુકીય પરિવર્તન ઝુંબેશ અને સમુદાયના નેતાઓ અને પરિવારના સભ્યો સાથેના સહયોગના મહત્વને પ્રકાશિત કરે છે. તે ભારતમાં લિંગ આધારિત ડિજિટલ અસમાનતાને દૂર કરવા માટે નિર્ણાયક તત્વ તરીકે આજીવિકા માટેના કાર્યક્રમોમાં ડિજિટલ સાક્ષરતાને સામેલ કરવાની જરૂરિયાતને પણ મજબૂત બનાવે છે. વિમેન કનેક્ટ ચેલેન્જ ઇન્ડિયા એ એક ઉદાહરણ છે કે કેવી રીતે ડિજિટલ ટેક્નોલોજીની રચના અને વિકાસમાં મહિલાઓની ભૂમિકા તેમની અલગ જરૂરિયાતો અને પરિપ્રેક્ષ્યોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે છે, ખાસ કરીને પાયાના સ્તરે.
વિમેન કનેક્ટ ચેલેન્જ એ મહિલાઓની ટેક્નોલૉજી સુધીની પહોંચ અને ઉપયોગ કરવાની પદ્ધતિઓને અર્થપૂર્ણ રીતે બદલીને રોજિંદા જીવનમાં મહિલાઓની સહભાગિતાને બહેતર બનાવવા માટેના ઉકેલો માટે એક વૈશ્વિક પહેલ છે. સહયોગ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસએઇડ ભારતમાં મહિલાઓ અને છોકરીઓ માટે ટેક્નોલોજી સાથે જોડાવા, જૂની સામાજિક રૂઢિઓનો સામનો કરવા અને તેમની આર્થિક આઝાદી વિસ્તારવા માટે નવા માર્ગોને સમર્થન આપી રહ્યાં છે. આખરે લિંગ આધારિત ડિજિટલ અસમાનતા સમાપ્ત કરવાથી મહિલાઓને તેમના જીવન, તેમના પરિવારોની સ્થિરતા અને તેમના સમુદાયોની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવામાં મદદ મળશે, જેમાં સમાવેશી અને વધુ ન્યાયી ભવિષ્યને પ્રોત્સાહન મળશે.