
સુરત
સુરતમાં 26 જાન્યુઆરી 2025એ પૂરી થયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સમાં વિમેન્સનું સિંગલ્સ ટાઈટલ રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ જીત્યુ હતું. પ્રથમ વખત નેશનલ ટાઈટલ જીતનારી દિયાએ આ વિજય બદલ ખુશી વ્યક્ત કરતા તેની નજર ઓલિમ્પિક પર હોવાનું કહ્યું હતું. સ્પર્ધાની ફાઈનલ બાદ દિયાએ કહ્યું કે તેના માટે આ ટાઈટલ અનેક રીતે મહત્વનું છે. તેના માટે આ ટાઈટલ ઓલિમ્પિક માટેના તેના પ્રયાસોમાં પ્રોત્સાહકનું કામ કરશે.
આ ટુર્નામેન્ટ સુરતના પંડીત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 19મીથી 26મી જાન્યુઆરી દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં દિયાએ ડબલ્સનું ટાઈટલ પણ જીત્યું હતું. દિયાએ સિંગલ્સની ફાઈનલમાં ડબલ્સમાં તેની સાથી ખેલાડી શ્રીજા અકુલા (રિઝર્વ બેંક) 4-3 (10-12, 8-11, 13-11, 12-10, 11-8, 9-11, 11-9)ને હરાવી હતી. આ અંગે તેણે કહ્યું કે હું અને શ્રીજા સાથે રમીએ છીએ. આના લીધે મને તેની ખુબી અને નબળાઈઓ ખબર છે જ્યારે તેને પણ મારી શક્તિ અને નબળા પાસાની જાણ છે. આજે દિવસ મારો હતો તેથી હું તેને હરાવી શકી.
ફાઈનલમાં પહેલી બે ગેમ શ્રીજાએ જીત્યા બાદ જોરદાર વળતી લડત માટે તેણે કહ્યું કે મેં આક્રમક રમત અપનાવી અને તેના લીધે હું લડત આપી શકી. તેણે કહ્યું કે મને આક્રમક રમત ગમે છે. અને હું મારી એ રમતને જાળવી રાખીને વિજય મેળવવા પ્રયાસ કરતી રહી છું. ફાઈનલમાં મેં જે પ્રકારે જોખમ લઈને આક્રમક રમત રમી એનાતી જ હું ટાઈટલ જીતવામાં સફળ થઈ છું.