ભલે કેટલાક દેશોમાં આ પ્રકારની હરકત ચલાવી લેવાતી હોય પણ રશિયામાં આ દંડનીય અપરાધ છે, રશિયામાં આ પ્રકારની હરકત ચલાવી નહીં લેવાય
મોસ્કો
સ્વીડનમાં ઈદના તહેવાર પર જ કુરાન સળગાવવાની ઘટનાના ઈસ્લામિક જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દુનિયા ભરના મુસ્લિમ દેશો સ્વીડન પર રોષે ભરાયેલા છે.
હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. રશિયાના મુસ્લિમ સમુદાયના પ્રભુત્વવાળા દાગિસ્તાનની મુલાકાતે ગયેલા પુતિને કુરાનનુ અપમાન કરવાની ઘટના સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, ભલે કેટલાક દેશોમાં આ પ્રકારની હરકત ચલાવી લેવાતી હોય પણ રશિયામાં આ દંડનીય અપરાધ છે. રશિયામાં આ પ્રકારની હરકત ચલાવી નહીં લેવાય.
પુતિનને કહ્યુ હતુ કે, રશિયાના બંધારણમાં પવિત્ર કુરાનનુ અપમાન અપરાધની રીતે જોવામાં આવે છે. જો કોઈએ રશિયામાં આવુ કૃત્ય કર્યુ તો તેને સજા થશે.
ઉલ્લેખનીય છે કે, પુતિને પોતાના પ્રવાસ દરમિયાન દાગિસ્તાનની ઐતહાસિક મસ્જિદની પણ મુલાકાત લીધી હતી અને મુસ્લિમ આગેવાનોને મળ્યા હતા. મુસ્લિમ સમાજે તેમને કુરાનની પ્રત પણ ભેટમાં આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, કુરાન મુસ્લિમો માટે પવિત્ર છે અને એ જ રીતે બીજા માટે પણ પવિત્ર હોવુ જોઈએ.