માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન અપાયાના કોંગ્રેસના નેતાનો દાવો
મુંબઈ
મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ છે. ત્યારે હવે સીએમની ખુશી માટે 3 મૂરતિયા છે. એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી બીજેપીના હાથમાં છે. આ વિભાજનને લઈને તમામ નેતાઓ પોત-પોતાના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે, તેમને મળેલી માહિતી પ્રમાણે ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યું છે. અજિત પવાર શાસક એકનાથ શિંદે-ભાજપ ગઠબંધનમાં જોડાતા મહારાષ્ટ્રમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચવ્હાણ પહેલા શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે પણ દાવો કર્યો હતો કે શિંદે મુખ્યમંત્રીની ખુરશી ગુમાવશે.
2 જુલાઈના રોજ અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજનનું નેતૃત્વ કરતા ડેપ્યુટી સીએમ બની ગયા. તેનાથી તેમના કાકા શરદ પવારને મોટો ફટકો લાગ્યો છે. જેમણે 24 વર્ષ પહેલાં એનસીપીની સ્થાપના કરી હતી. અજિત પવારની સાથે એનસીપીના આઠ નેતાઓએ પણ એકનાથ શિંદે-ભાજપના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એક સવાલ પર કહ્યું કે, મેં પહેલા જ જાહેરમાં કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે જઈ શકે છે પરંતુ તે સમયે મારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ પહેલાથી જ જાણતા હતા કે આવું થશે. પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, અજિત પવારને શું મળશે તેની માત્ર સોદાબાજી ચાલી રહી હતી. અમને મળેલી માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન આપ્યુ છે.