સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એસી ચાલુ ન કરાતા મુસાફરો ગરમીમાં શેકાયા

Spread the love

અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ

અમદાવાદ

ગુરુવારે સ્પાઈસજેટની દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરોની જર્ની કષ્ટદાયક રહી હતી. ફ્લાઈટ લગભગ આખી ભરાઈ ગઈ હોવા છતાં એર-કન્ડિશનિંગ સિસ્ટમ ચાલુ નહોતી કરવામાં આવી. ફ્લાઈટમાં બોર્ડિંગ શરૂ થયું ત્યાંથી લઈને ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યાં સુધી એટલે કે આશરે દોઢ કલાક સુધી એસી ચાલુ ના કરાતાં પેસેન્જરોને ગરમીમાં બફાવાનો વારો આવ્યો હતો.સિનિયર સિટિઝન્સ સહિત કેટલાય મુસાફરોને ગભરામણ થઈ હતીકી. પેસેન્જરોનો આક્ષેપ છે કે, તેમણે અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હતા.
અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે, ગરમીથી ત્રાહિત થયેલા લોકોએ થોડી હવા મળી રહે તે માટે કાગળથી હાથ પંખો બનાવ્યો હતો. અસ્થમાથી પીડાતી એક મહિલાએ તો એસી ચાલુ કરવાની કેટલીયવાર વિનંતી પણ કરી હતી. પેસેન્જરોએ અવારનવાર વિનંતી કરી છતાં ક્રૂ મેમ્બર્સે તેમની વાત સાંભળી નહોતી.
એક મુસાફરે આખી ઘટના વર્ણવતા જણાવ્યું કે, ફ્લાઈટ બપોરે 3 વાગ્યાની હતી. એક-બેવાર સમય બદલ્યા પછી સાંજે 4 કલાકે ફ્લાઈટ ઉપડવાની જાહેરાત થઈ હતી. બોર્ડિંગ બપોરે 3.05 કલાકે શરૂ થયું હતું. ફ્લાઈટમાં એસી બંધ હોવાથી ગભરામણ અને બેચેની થઈ રહી હતી. બોર્ડિંગ પૂરું થયા બાદ આશરે 40 મિનિટ બાદ પ્લેન ટેક્સીવે પર પહોંચ્યું હતું અને ત્યાંથી પણ અડધો કલાક બાદ ટેકઓફ થયું હતું. આ સમયગાળામાં ક્રૂ દ્વારા એસી ચાલુ ના કરવામાં આવ્યું, મુસાફરોએ સફોકેશનની ફરિયાદ કરી હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટમાં 192 પેસેન્જરો હતા.
નાના બાળકો અને સિનિયર સિટિઝનો સહિત કેટલાય વિદ્યાર્થીઓએ પાણી માગ્યું હતું પરંતુ ક્રૂ મેમ્બર્સ દ્વારા તે પણ પૂરું નહોતું પાડવામાં આવ્યું. સિનિયર સિટિઝનો ઉપરાંત ફ્લાઈટમાં 25 જેટલી વૃદ્ધ મહિલાઓનું એક ગ્રુપ પણ હતું. અમને કહેવામાં આવ્યું કે, ફ્લાઈટ ઉડાણ ભરશે પછી જ એસી ચાલુ કરવામાં આવશે. છેવટે ફ્લાઈટ 4.50 કલાકે ઉપડી હતી. પરંતુ ફ્લાઈટે ઉડાણ ભર્યા પછી પણ એસી તો સરખા નહોતા જ ચાલતા. આ મુદ્દે સ્પાઈસજેટ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *