રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો
દહેગામ
દહેગામ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે અને જેમાં રાયોટિંગના ગુનામાં ૭ આરોપીને ૨ વર્ષની જેલની સજાનો હૂકમ કર્યો છે. રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો અને જે કેસ કોર્ટમાં ચાલી જતાં આજે સજાનું એલાન કરવામાં આવ્યું હતું. કોર્ટના ચૂકાદા બાદ આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો અને કોર્ટ દરેકને રૃા.૪-૪ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં હરસોલી ગામની સીમમાં કાંટા નાખવા જેવી બાબતમાં ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ થઈને હૂમલો કર્યો હતો.
દહેગામના હરસોલી ગામમાં વર્ષ-૨૦૧૮માં ૨૭મી મેના રોજ રસ્તામાં કાંટ નાખવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીઓએ ગેરકાયેદર મંડળી રચી હતી અને ફરિયાદી તખતસિંહ માલસિંહ ચૌહાણ ઉપર હૂમલો કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં આખરે પાંચ વર્ષ બાદ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો જાહેર કર્યો હતો અને રાયોટિંગના ગુનામાં સૌ પ્રથમવાર ૭ આરોપીને ૨ વર્ષની સજાનો હૂકમ કર્યો હતો. આ કેસ દહેગામ પ્રિન્સીપાલ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો અને જજ વિશાલ પી. મહેતાએ ચૂકાદો આપ્યો હતો અને જેમાં સરકારી વકીલ બી.એમ.રાજપૂતની ધારદાર દલીલોના પગલે આ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં જશવંતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ, ખુમાનસિંહ પ્રભાતસિંહ ચૌહાણ, કરણસિંહ નટવરસિંહ ચૌહાણ, રણજીતસિંહ જશવંતસિંહ ચૌહાણ, બળદેવસિંહ ધુળસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ બળદેવસિંહ ચૌહાણ અને સંજયસિંહ જશવંતસિંહ ચૌહાણ (તમામ રહે.હરસોલી)ને આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૧૪૩, ૧૪૭ના ગુનામાં બે વર્ષની સજા અને દરેકને રૃા.૪-૪ હજારનો દંડ ફટકારવામાં આવે છે.