ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો
અમરેલી
અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. જ્યારે એક સિંહને ઈજા પહોંચી હતી. તેને જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો.
આ ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો? સિંહો કયા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા, તેને લઈ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. રાજુલા રેન્જ આરએફઓએ મીડિયાને જણાવ્યું હતું કે, 2 સિંહને રેલવે સેવકોએ બચાવી લીધા હતા. ઈમર્જન્સી બ્રેક મારવામાં આવતા 2નો બચાવ થયો હતો. પરંતુ એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.
અત્યારસુધીમાં પીપાવાવની માલગાડીની અડફેટે આવી ચડતા 25 જેટલા સિંહોનાં મોત થયાં છે. અગાઉ રેલવે ટ્રેક પર ફેન્સિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે, તાઉ-તે વાવાઝોડા બાદ આ ફેન્સિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જે બાબતે સરકારનું પણ ઘણી વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક સમારકામ હાથ ધરે તો બીજા સિંહોનાં મોત થતાં અટકી શકે છે.ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે તાકીદે ફેન્સિંગનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.