13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો
નવી દિલ્હી
ભારત સરકારે ગઈકાલે સંસદમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસમાં 93 ટકાથી વધુને દોષિત ઠેરવ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હતી. તેમના નિવેદન મુજબ, ઈડી પાસે 2,075 કર્મચારીઓની મંજૂર સંખ્યા છે અને તેમાંથી, 1,542 પોસ્ટ્સ હાલમાં કાર્યરત છે.
છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસોમાં ઈડીના દોષિત ઠરાવના દર અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષો દરમિયાન મની લોન્ડરિંગ નિવારણ કાયદા (પીએમએલએ)ના 31 કેસોની ટ્રાયલ પૂર્ણ થઈ છે, જેના પરિણામે 29 કેસોમાં 54 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આમ, આજની તારીખે, પીએમએલએ હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા છે. મંત્રીએ કહ્યું કે, કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તપાસ કરાયેલા પ્રિડિકેટ અપરાધોને રદ કરવાને કારણે પીએમએલએ હેઠળની કાર્યવાહી આગળ વધી શકી નથી.
સરકારે સંસદમાં માહિતી આપી હતી કે 2021માં સાયબર ફ્રોડના 14,007 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાને ટાંકીને, નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે 2021 માં ઓનલાઈન એપ્સ દ્વારા કરવામાં આવેલા સાયબર છેતરપિંડીના કેસોની કુલ સંખ્યા 14,007 છે. આ પ્રકાશિત આંકડા વર્ષ 2021ને સલગ્ન જોવા મળે છે.