એઆઈને કારણે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા તેમને નોકરી ગુમાવવી પડશે
નવી દિલ્હી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તે માનવ મૂલ્યો માટે બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત પણ એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈ આવ્યા પછી પુરુષો કરતાં વધુ મહિલાઓની નોકરી ગુમાવવાનું જોખમ ઉભું થયું છે. આ અભ્યાસ અનુસાર, એઆઈ ટૂલ્સ ચેટજીપીટી વર્ષ 2030 સુધીમાં મોટાભાગની મહિલાઓની નોકરીઓનું સ્થાન લઇ શકે છે.
આ અભ્યાસ મેકેન્સી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા એઆઈને કારણે તેમને નોકરી ગુમાવવી પડશે. અભ્યાસ મુજબ, કાર્યસ્થળમાં ઓટોમેશન અને એઆઈની હાજરીને કારણે આ જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
એક અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, એઆઈ ની અસર લઘુત્તમ વેતનની નોકરીઓ પર ખાસ કરીને મજબૂત હશે, જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. ઉદાહરણ તરીકે, ઓફિસોમાં સહાયક તરીકે મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય ગ્રાહક સેવાઓમાં મહિલાઓની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, વર્ષ 2030 સુધીમાં વિશ્વમાં ઓફિસ સપોર્ટ જોબમાં 3.7 મિલિયન અને ગ્રાહક સેવાની નોકરીઓમાં 2 મિલિયનનો ઘટાડો થશે.
અભ્યાસમાં એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કે, એઆઈના કારણે સ્ટોર્સમાં સેલ્સ સ્ટાફ અને કેશિયરની નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં, એઆઈ એન્જિનિયર્સનું કામ પણ કરી શકે છે, ખાસ કરીને ડિઝાઇન સંબંધિત કાર્યોમાં નોકરીની ઓછી તકો ઉભી થઇ શકે છે. જો કે, અભ્યાસમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, જે કામદારો પાસે ડિગ્રી નથી, જેઓ મોટી ઉંમરના છે અને જેઓ કાર્યસ્થળે ખૂબ જ નાના છે તેમની નોકરી ગુમાવવાની શક્યતા વધુ છે.