જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત
નવી દિલ્હી
કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેને શુક્રવારનો દિવસ ફળી ગયો. મોદી સરનેમ કેસમાં સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા કરતાં તેમનું સાંસદ પદ પણ છીનવાઈ ગયું હતું.
સુપ્રીમકોર્ટે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમની દોષસિદ્ધી પણ રોક યથાવત્ રહેશે. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવવા સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. સુપ્રીમકોર્ટનો આ નિર્ણય રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે.
સુપ્રીમકોર્ટના આ ચુકાદાની સાથે જ હવે રાહુલ ગાંધી માટે સંસદના દ્વાર ખુલી ગયા છે. હવે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પણ બહાલ થવાનો માર્ગ મોકળો થયો છે. જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત. પણ અત્યાર સુધી વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ નથી.
સુપ્રીમકોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડવાની સંભાવનાઓ પર છવાયેલા સંકટના વાદળો ફંટાઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે. જો સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત.