ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે
હવાઈ
અમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા ‘ટોર્નેડો’એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ સ્વરૂપ લઇ રહી છે. અમેરિકાના હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 67 થઈ ગયો છે.
એક ખાનગી મીડિયાએ માયુ કાઉન્ટી સરકારને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે હવાઈના ભયાનક જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 67 પર પહોંચી ગયો છે. સરકાર તરફથી મૃતકોની સંખ્યા આપતા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ ટાપુના જંગલોમાં લાગેલી આગ હજુ બુઝાઈ નથી. હવાઈના ગવર્નરે રાજ્યની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાયડેને ગઈકાલે હવાઈના ગવર્નર જોશ ગ્રીન સાથે વાત કરી હતી. હવાઈના જંગલોમાં 8 ઓગસ્ટથી આગ લાગી છે જે સતત ફેલાઈ રહી છે.
આટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે. જંગલમાં લાગેલી આગને કારણે લાહૈના શહેરમાં પ્રવાસી સ્થળોને મોટું નુકસાન થયું છે. યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવાઈમાં આ જંગલની આગના ઝડપી પ્રકોપ માટે ચક્રવાત પણ જવાબદાર છે, જેના જોરદાર પવનોએ આગને ખૂબ જ ઝડપથી ફેલાવી છે.
રાષ્ટ્રપતિ જો બાયડન પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. જણાવવામાં આવ્યું છે કે, યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. મરીન તરફથી આગ પર કાબૂ મેળવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે. આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે કે, પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.