ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો, સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી
ઓટાવા
કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
આ આગના કારણે અત્યાર સુધી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી 35000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.બીજી તરફ આ રાજ્યની સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી છે.જેના કારણે બચાવ કામગીરી કરી રહેલા અધિકારીઓને આગ પર નિયંત્રણ મેળવવા માટે વધારે અધિકારો મળ્યા છે.
કેનેડાના વાનકુવરથી 200 કિલોમીટર દુર આવેલા શહેર કેલોવનામાં સૌથી પહેલા આગ લાગી હતી.એ પછી આગ અલગ અલગ જગ્યાએ ફેલાતી ગઈ હતી અને બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના 38 વિસ્તારોને પોતાની લપેટમાં લીધા હતા.આ પૈકીના 150 વિસ્તારોમાં આગ હજી કાબૂમાં આવી નથી.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સેનાને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.સાથે સાથે લોકોને પણ આગ પ્રભાવિત વિસ્તારોમાંથી પોતાના ઘર ખાલી કરી દેવા માટે અપીલ કરી છે.લોકોને આગથી પ્રભાવિત વિસ્તારોમાં નહીં જવાનો પણ આદેશ અપાયો છે.
કેનેડામાં અત્યાર સુધીનો આ સૌથી ભીષણ દાવાનળ છે.જેમાં 1.40 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર તબાહ થઈ ચુકયો છે.કેનેડાને બીજા 13 દેશો આગ કાબૂમાં લાવવા માટે મદદ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં આગ બૂઝાવવાના પ્રયાસોમાં ચાર ફાયર ફાઈટર્સના મોત થઈ ચુકયા છે.દુકાળ જેવી સ્થિતિ અને જોશભેર ફૂંકાતા પવનોના કારણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સફળ થઈ રહ્યા નથી.
બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના યેલોનાઈફ શહેર નજીક આગ પહોંચી ચુકી હોવાથી 20000ની વસતી વાળા આ આખા શહેરને ખાલી કરાવવામાં આવ્યુ છે.સમગ્ર શહેરમાં અત્યારે સન્નાટો છે.