પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો, કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ છે. હવે પાકિસ્તાનમાં લઘુમતીમાં આવતા અહેમદિયા સમુદાયના 6 લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કે તેમણે પોતાને મુસ્લિમ ગણાવ્યા હતા.
પાકિસ્તાને 1874માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો. આ કાયદાની જોગવાઈ પ્રમાણે અહેમદિયા સમુદાયના લોકો જો પોતાને મુસ્લિમ ગણાવે તો તેમને ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.
બીજી તરફ અહેમદિયા સમુદાયના સંગઠન જમાત એ અહેમદિયાએ 6 લોકોની ધરપકડનો વિરોધ કરીને કહ્યુ છે કે, કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન તહેરિક લબ્બેક પાકિસ્તાનના કાર્યકરો સ્થાનિક લોકોને નિર્દોષ અહેમદિયા સમુદાય સામે ભડકાવી રહ્યા છે અને પોલીસ કાર્યવાહી કરાવી રહ્યા છે.
ગયા સપ્તાહે પાકિસ્તાનમાં સંખ્યાબંધ ચર્ચ સળગાવી દેવામાં આવ્યા હતા અને તેની પાછળ પણ આ કટ્ટરવાદી સંગઠનનો હાથ હોવાની ચર્ચા છે.
પોલીસે પણ કહ્યુ છે કે, અહેમદિયા સમુદાયના 6 લોકોને પોતાને મુસ્લિમ ગણાવવા બદલ પકડવામાં આવ્યા છે.