ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી, એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો
રોમ
ઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે .
આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યા બાદ આલ્બેનિયાની સરકારે ઈટાલીની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી. એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો અને આ પર્યટકોને બેવકૂફ પણ ગણાવ્યા હતા.
ઈટાલીના પીએમના આદેશની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આ પહેલા અલ્બેનિયાના પીએમ એ ડી રામાએ પોતાની ઈટાલીની મુલાકાત દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે કરેલી ચર્ચા દરમિયાન ઉપરોક્ત કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. અખબારી અહેવાલો પ્રમાણે મેલોનીએ તેના જવાબમાં ઈટાલાની રાજદૂતને પર્યટકોનુ બાકીનુ બીલ ચુકવવા માટે સૂચના આપીને કહ્યુ હતુ કે, આ મૂર્ખા લોકોનુ બિલ ચુકવવામાં આવે.
ઈટાલાની અલ્બેનિયા સ્થિત એમ્બેસીએ પણ કહ્યુ છે કે, અમે ટુરિસ્ટોનુ 80 યુરોનુ બાકી બિલ ચુકવી દીધુ છે. કારણકે ઈટાલીના લોકો નિયમોનુ સન્માન કરે છે અને પોતાની બાકી રકમ ચુકવી દેવામાં માને છે. અમને આશા છે કે, ઈટાલીના પ્રવાસીઓ આવી હરકત ફરી નહીં કરે.