ભારતમાં ફેક્ટરીઓનું આઉટપુટ લગભગ અઢી વર્ષમાં સૌથી શ્રેષ્ઠ, ઑક્ટોબર 2020 પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ, રોજગારીની તકો વધશે
નવી દિલ્હી
જીડીપી ગ્રોથ રેટના શાનદાર આંકડા બાદ હવે ભારતને વધુ એક સારા સમાચાર મળ્યા છે. મે મહિના દરમિયાન ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બમ્પર તેજી જોવા મળી અને તેની આ ગતિવિધિઓ 31 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. આજે એક ખાનગી સર્વેમાં આ માહિતી સામે આવી છે.
મે મહિના દરમિયાન ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પરચેઝિંગ મેનેજમેન્ટ ઈન્ડેક્સ 58.7 પર પહોંચ્યો હતો. ઑક્ટોબર 2020 પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. આ જણાવે છે કે, મે મહિના દરમિયાન ભારતમાં ફેક્ટરીઓનું આઉટપુટ લગભગ અઢી વર્ષમાં સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. એક દિવસ અગાઉ માર્ચ ક્વાર્ટરના જીડીપી વૃદ્ધિ દરના જબરદસ્ત આંકડાઓ પછી મે મહિના દરમિયાન ફેક્ટરીઓની પ્રવૃત્તિઓમાં જબરદસ્ત સુધારો સારા ભવિષ્યનો સંકેત આપે છે.
અગાઉ, એપ્રિલ મહિના દરમિયાન, ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રવૃત્તિઓ 4 મહિનાની ટોચની સપાટીએ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એપ્રિલ મહિના દરમિયાન આઉટપુટમાં મજબૂત વૃદ્ધિ અને નવા ઓર્ડર દ્વારા ટેકો મળ્યો હતો. એપ્રિલ મહિના દરમિયાન S&P ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજરનો ઇન્ડેક્સ 57.2 છે, જે માર્ચમાં લગભગ 56.4 કરતાં હતો.