બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ 1948 કિમી જેટલું, એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે

નવી દિલ્હી
ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કામગીરી આરંભી દીધી છે. ત્યારે ખાસ બાબત એ છે કે ચીનનું યુટુ 2 રોવર પણ ચંદ્ર પર કાર્યરત છે. ત્યારે એવા પ્રશ્નો થાય કે શું બંને રોવરનો એકબીજા સાથે સામનો થશે કે નહિ ? વર્તમાન સમયમાં ચંદ્ર પર ભારતનું પ્રજ્ઞાન રોવર અને ચીનનું યુટુ 2 રોવર કાર્યરત છે. ચીને તેનું રોવર 2019 માં ચંદ્ર પર મોકલ્યું હતું.
3 જાન્યુઆરી 2019 માં ચીન દ્વારા સાઉથપોલ- એટીકન બેસિનમાં ચાંગ ઈ-4 વોન કારમન ક્રેટરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અમેરીકન સ્પેસ એજેન્સી નાસા મુજબ લેન્ડીંગના કાર્ડીનેટ્સ 45.4561 દક્ષિણ અક્ષાંશ અને 177.5885 પૂર્વ રેખાંશ પર છે.
જયારે ચંદ્રયાન- 3 એ 69.367621 દક્ષિણ અને 32.348126 પૂર્વમાં લેન્ડ કરવાની યોજના બનાવી હતી. ભારતીય સ્પેસ એજેન્સી ઈસરો મુજબ ચંદ્રયાન- 3 તેના નિર્ધારિત એરિયામાં લેન્ડ થયું છે.
હૈદરાબાદના એક્સડીએલઆઈએનએક્સના સૈયદ અહેમદે કહ્યું કે બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ 1948 કિમી જેટલું છે. જયારે અન્ય જાણકાર શાનમુગા સુબ્રમણ્યમે અનુમાન લગાવ્યું કે બંને રોવર વચ્ચેનું અંતર 1890 કિમી જેટલું છે. આ સાથે એમણે એવું પણ જણાવ્યું હતું કે એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે.
બંને રોવરની એક બીજાની સામે આવે એવી સંભાવના હાલ નહીવત જોવા મળે છે. પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પાસે વિક્રમ લેન્ડરથી માત્ર 500 મીટરના અંતરે છે. જયારે ચીનનું રોવર લેન્ડીંગ સાઈટની આસપાસ છે. પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ કામ કરશે. જયારે યુટુ-2 ચંદ્ર પર 2019 થી કાર્યરત છે.