હિંદુ લગ્ન એક્ટ 1955ની કલમ 16(3)ની વ્યાખ્યા મુજબ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે લગ્ન વિના જન્મેલા બાળકોને સંપત્તિમાં હક્ક મામલે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે ‘લગ્ન કર્યા વગર જન્મેલા બાળકને સંપત્તિનો અધિકાર આપવા’ અંગેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ ચુકાદો માત્ર હિન્દુ સંયુક્ત પરિવારની સંપત્તિઓ પર લાગુ છે.
લગ્ન વગર જન્મેલા બાળકો તેમના માતા-પિતાની સંપત્તિમાં ભાગ મેળવવા હક્કદાર છે… લાઈવ લૉની રિપોર્ટ મુજબ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે નિર્ણય સંભાળવા કહ્યું કે, આ ચુકાદો માત્ર હિન્દુ સંયુક્ત પરિવારની સંપત્તિઓ પર લાગુ છે… ખંડપીઠે વર્ષ 2011ના રેવનાસિદ્દપ્પા વિરુદ્ધ મલ્લિકાર્જુન કેસમાં બે ન્યાયાધીશોની ખંડપીઠના ચૂકાદાનો સંદર્ભ આપી આ ચુકાદો સંભળાવ્યો હતો. 2011ના કેસમાં ખંડપીઠે જણાવ્યું હતું કે, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો સંપત્તિના હક્કદાર છે. તેઓ ઈચ્છે તો માતા-પિતાની સંપત્તિમાં સ્વેચ્છાએ ભાગ માંગી શકે છે.
હિંદુ લગ્ન એક્ટ 1955ની કલમ 16(3)ની વ્યાખ્યા મુજબ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે. જોકે કલમ 16(3) કહે છે કે, આવા બાળકોને માત્ર તેમના માતા-પિતાની સંપત્તિ વારસામાં મળશે પણ તેમના પૂર્વજોની સંપત્તિમાં કોઈ અધિકાર નહીં માંગી શકે…