મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ધોનીની સર્જરી સફળ રહી

મુંબઈ
આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને વિજેતા બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીની સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આઈપીએલની 16મી સીઝનની પહેલી જ મેચ દરમિયાન કેપ્ટન ધોની ઈજાગ્રસ્ત થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યુ હતું.
આઈપીએલની 16મી સીઝન દરમિયાન તમે મહેન્દ્ર સિંહ ધોનીને ઘણી વખત લંગડાતા ચાલતા જોવા મળ્યો હતો. ધોની આઈપીએલની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેણે તે સમયે કોઈ બ્રેક લીધો ન હતો. હવે આઈપીએલની સિઝન પૂરી થતાં જ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. મીડિયાના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ધોનીની સર્જરી સફળ રહી છે. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે ધોનીને આગામી સિઝનની મિની ઓક્શનમાંથી રાહત મળવા અંગે નિવેદન આપતા કહ્યું કે સાચું કહું તો અમે હજુ સુધી વિચાર્યું નથી અને તે ધોની પર નિર્ભર કરે છે કે તે આગળ શું નિર્ણય લેશે.
આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની 19મી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ લગાવી હતી જેના પછી ધોની ઈજાગ્રસ્ત થયો. મેચ બાદ મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજા અંગે અપડેટ આપી હતી. આઈપીએલ દરમિયાન પણ તે આખી સિઝનમાં તેના ઘૂંટણની આસપાસ પટ્ટી પહેરીને જોવામાં આવ્યો હતો અને કેટલીકવાર તે અટકી-એટકીને ચાલતો જોવા મળ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની પહેલા સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત પણ ઘૂંટણની સર્જરી કરાવી ચૂક્યા છે. સુરેશ રૈનાએ 2019માં ઘૂંટણની સર્જરી કરાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ગયા વર્ષે ઘૂંટણની સર્જરી કરાવી હતી. આ ઉપરાંત 30 ડિસેમ્બરના રોજ ઋષભ પંતનો અકસ્માત થયો હતો. પંતે પણ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી પણ કરાવી હતી.