પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

સિલિકોન વેલી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બુધવારે સિલિકોન વેલીમાં સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ફરી એકવાર ફોન ટેપિંગનો મુદ્દો ઉઠાવતા તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે કહ્યું કે તેઓ જાણતા હતા કે તેમનો ફોન ટેપ થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેનાથી પરેશાન નથી. આટલું જ નહીં, રાહુલે તેમનો ફોન કાઢ્યો અને મજાકમાં કહ્યું, હેલો! મિસ્ટર મોદી”.
રાહુલ ગાંધીએ કહ્યું, મને લાગે છે કે મારો આઇફોન ટેપ થઈ રહ્યો છે. તમને એક રાષ્ટ્ર તરીકે અને એક વ્યક્તિ તરીકે પણ ડેટાના રક્ષણ માટે યોગ્ય નિયમોની જરૂર છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ તમારો ફોન ટેપ કરવા માંગે છે તો તેને કોઈ રોકી ન શકે. આ મારી સમજ છે. રાહુલે કહ્યું, “જો દેશને ફોન ટેપિંગમાં રસ હોય તો તે લડાઈ લડવા યોગ્ય નથી. મને લાગે છે કે હું જે પણ કામ કરું છું, બધું સરકારની સામે છે.”
રાહુલ સનીવેલમાં ‘પ્લગ એન્ડ પ્લે ટેક સેન્ટર’ ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ઉદ્યમીઓ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા પણ હાજર હતા. રાહુલે ભારતના દૂર-દૂરના ગામડાઓમાં ટેક્નોલોજીને લોકો સાથે જોડવા અને તેની અસરો વિશે પણ વાત કરી. રાહુલે કહ્યું, ડેટા એક પ્રકારનું સોનું છે અને ભારત જેવા દેશોએ તેની ક્ષમતાને ઓળખી લીધી છે. ડેટા સુરક્ષા પર યોગ્ય નિયમોની જરૂર છે. પ્લગ એન્ડ પ્લે ટેક સેન્ટરને સ્ટાર્ટઅપનું સૌથી મોટું મૂળ સ્થાન માનવામાં આવે છે. તેના સીઈઓ સઈદ અમીદીએ જણાવ્યું કે પ્લગ એન્ડ પ્લેમાં હાજર 50% સ્ટાર્ટઅપ્સના સ્થાપકો ભારતીય અથવા ભારતીય અમેરિકન છે.
રાહુલ ગાંધી મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. અહીં તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. રાહુલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને થિંક ટેન્ક સાથે બેઠક કરશે. 52 વર્ષીય કોંગ્રેસ નેતા ભારતીય-અમેરિકનોને સંબોધશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તેવી અપેક્ષા છે. તેમની મુલાકાત 4 જૂને ન્યૂયોર્કમાં જાહેર સભા સાથે સમાપ્ત થશે. આ કાર્યક્રમ ન્યુયોર્કના જેવિટ્સ સેન્ટર ખાતે યોજાશે.