તૃણમુલનો પ. બંગાળમાં, આપનો પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા નિર્ણય

Spread the love

પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથીઃ માન, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતાં અમે આ જાહેરાત કરવા મજબૂર છીએઃ મમતા


ચંડિગઢ/ કોલકાતા
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ) એ કોંગ્રેસને સાઈડલાઈન કરી દીધી છે. આપએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં પાર્ટી એકલી જ લોકસભા ચૂંટણી લડશે.
પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને કહ્યું કે પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથી. આમ આદમી પાર્ટીએ પંજાબમાં 13 લોકસભા બેઠકો માટે આશરે 40 ઉમેદવારો પસંદ કર્યા છે. પાર્ટી 13 લોકસભા સીટ માટે ઉમેદવારો માટે સરવે યોજવાની તૈયારીમાં છે. ચંડીગઢ નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે ભગવંત માને કહ્યું કે આપ પાર્ટી લોકસભાની સીટોને 14 કરી શકે છે કેમ કે એક સીટ ચંડીગઢની પણ છે.
દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે આપ પણ તૈયાર છે. અત્યાર સુધી તો અહીંની સાત સીટોને લઇને કોઈ ફોર્મ્યુલા તૈયાર નથી પણ કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ અને આપ નેતાઓ વચ્ચે સીટ શેરિંગને લઈને બેઠક થઇ ચૂકી છે. બંને પક્ષોએ આ દરમિાયન ભાજપ વિરુદ્ધ એકજૂટતા બતાવી છે.
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની આગામી ચૂંટણીમાં ‘એકલા ચાલો રે’ની નીતિ અપનાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતાં અમે આ જાહેરાત કરવા મજબૂર છીએ. કોંગ્રેસ દ્વારા મારા કોઈ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યા નહોતા.’
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું હતું. આ દરમિયાન ઈન્ડિયા ગઠબંધનના સભ્યો પણ બેઠકોની વહેંચણી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય સુધી પહોંચી શક્યા નહોતા. આ દરમિયાન મમતા બેનરજીએ કહ્યું કે અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સમજૂતી કરવા માટે ઘણાં પ્રસ્તાવ અને ઓફર આપી હતી પરંતુ તે તમામ ફગાવી દેવામાં આવ્યા જેને લઈને અમારે આ નિર્ણય લેવો પડ્યો છે. મમતા બેનરજી અને તેમની પાર્ટીનો આ નિર્ણય કોંગ્રેસ-ડાબેરી પક્ષો સહિત ઈન્ડિયા ગઠબંધન માટે પણ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. મમતા બેનરજીએ આ સાથે કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલો ઊઠાવ્યાં હતાં.
મમતા બેનરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તે 300 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડે અને પ્રાદેશિક પક્ષોને તેમના પ્રદેશમાં ભાજપનો મુકાબલો કરવા દે. તેમણે કહ્યું કે પ્રાદેશિક પક્ષો એકજૂટ રહેશે પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધું કે જો તે હસ્તક્ષેપ કરશે તો અમારે ફરી વિચારવું પડશે. મમતા બેનરજીએ કોંગ્રેસને ફક્ત 2 સીટ આપવાની ઓફર કરી હતી. તેના પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી વિફર્યા હતા.
મમતા બેનરજીએ કહ્યું કે અમે જે સૂચન કર્યા હતા તે તમામ નકારી કાઢવામાં આવ્યા. એટલે અમે બંગાળમાં એકલા ચાલો રેની નીતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું નામ લીધા વિના જ કહ્યું કે તેઓ પ.બંગાળમાં પણ યાત્રા યોજવાના છે. જેની જાણકારી શિષ્ટાચારને નાતે પણ અમને નથી અપાઈ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *