બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો
હૈદ્રાબાદ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ઇંગ્લેન્ડની ટીમે તેની પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. આ ટીમમાં ઘણાં મેચ વિનર ખેલાડીઓ સામેલ છે. આ ટીમનું નેતૃત્ત્વ ફરી એકવાર બેન સ્ટોક્સ કરતો જોવા મળશે.
ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 જાહેર થયા બાદ એ નક્કી થઈ ગયું છે કે ટોમ હાર્ટલે ટેસ્ટમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી ટોમ હાર્ટલેએ ઈંગ્લેન્ડની ટીમ માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર એક ફાસ્ટ બોલર માર્ક વુડની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય વિકેટકીપર બેન ફોક્સની પસંદગી કરવામાં આવી છે. જેક લીચ ઉપરાંત ટીમમાં રેહાન અહેમદની પણ પસંદગી થઇ છે. રેહાનની પાસે એક ટેસ્ટ મેચનો અનુભવ છે. આ સિવાય જો રૂટ પણ સ્પિન કરી શકે છે. લીચ પણ લાંબા સમયથી મેદાનથી દૂર છે. ગત વર્ષે તે ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝમાં રમ્યો ન હતો. આ સિવાય ઓલી પોપ પણ પરત ફર્યો છે. ઈજાના કારણે તે પણ એશિઝમાં રમ્યો ન હતો.
ઇંગ્લેન્ડની ટીમે પ્લેઇંગ-11માં 6 બેટ્સમેન, 1 વિકેટકીપર બેટ્સમેન, 3 સ્પિનર અને 1 ફાસ્ટ બોલરની પસંદગી કરી છે. જો કે કેપ્ટન બેન સ્ટોક્સ ફાસ્ટ બોલર તરીકે એક સારો વિકલ્પ છે પરંતુ તે ઈજાના કારણે બોલિંગ કરી શકશે નહીં. ભારતીય ટીમે હજુ પ્લેઇંગ-11 જાહેર કરી નથી પરંતુ ટીમ 3 સ્પિનર્સ અને 2 ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે તે નક્કી છે. વિરાટ કોહલીની ગેરહાજરીના કારણે મિડલ ઓર્ડર થોડું નબળું દેખાઈ રહ્યું છે પરંતુ કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર પાસે સ્પિન સામે રમવાનો સારો અનુભવ છે.
ઇંગ્લેન્ડ ટીમના પ્લેઇંગ-11
બેન સ્ટોક્સ (C), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ, જેક લીચ