જથ્થાબંધ મોંઘવારીનો દર -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી
આજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં સતત પાંચમાં મહીને ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર નેગેટિવ ઝોનમાં રહ્યો છે. જો કે નેગેટિવ ઝોનમાં રહ્યા છતાં જથ્થાબંધ મોંઘવારીનો દર (ડબલ્યુપીઆઈ) -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો જુલાઈના -1.36 ટકાથી વધીને -0.52 ટકા થયો છે. જો કે આ દર -0.6 ટકા રહેવાનો અંદાજ હતો. આ સિવાય ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોનો જથ્થાબંદ ફૂગાવો જુલાઈના 7.75 ટકાથી ઘટીને 5.62 ટકા થયો હતો. ઓગસ્ટમાં પ્રાથમિક વસ્તુઓનો ફુગાવાવી વાત કરીએ તો આ જૂલાઈના 7.57 ટકાથી ઘટીને 6.34 ટકા થયો હતો, તો બીજી તરફ ઈંધણ અને વિજળીનો જથ્થાબંધ ફુગાવો -12.79 ટકા વધીને -6.03 ટકા થયો હતો. ઓગસ્ટમાં દેશમાં ઉત્પાદિત વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો જૂલાઈના -2.51 ટકાથી વધીને -2.37 ટકા થયો હતો. ઓગસ્ટમાં કોર ફુગાવો 2.2 ટકા જ રહ્યો હતો.
જથ્થાબંધ ફુગાવાના આ આંકડા સરકારે ઓગસ્ટ મહિનાના છુટક ફુગાવાના આંકડા જાહેર કર્યાના બે દિવસ બાદ આવ્યા છે. 12મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ભારતનો છુટક ફુગાવાનો દર જૂલાઈના 15 મહિનાના ઉચ્ચતમ સ્તર 7.44 ટકાની ઘટીને 6.83 ટકા જેટલો રહ્યો હતો.