ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગની વાત ખોટીઃચીન

Spread the love

ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું, તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણ ધ્રુવનો ભાગ ન કહેવાય એવો દાવો

નવી દિલ્હી

ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. નાસાથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પહેલો દેશ છે. પરંતુ ચીનને ભારતની આ સફળતાથી પેટમાં દુખી રહ્યું છે. ચીનના મૂન મિશન પ્રોગ્રામના સંસ્થાપક દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગની વાત ખોટી છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના એક સભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી, ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસ અને આર્કટિક ધ્રુવ પ્રદેશની નજીક પણ તેનું લેન્ડિંગ થયું નથી. તેમણે જણાવ્યું કે, ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું. તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણ ધ્રુવનો ભાગ ન કહેવાય. ચંદ્રનું દક્ષિણ ધ્રુવ 88.5 અને 90 ડિગ્રીના અક્ષાંશ વચ્ચે આવેલ હોય છે.   એચકેયુની લેબોરેટરી ફોર સ્પેસ રિસર્ચના ડાયરેક્ટર ક્વેન્ટિન પાર્કરે પણ ભારતની સફળતાને નકારી હતી. તેમણે કહ્યું કે, ભારતનું ચંદ્રયાન ક્યાં લેન્ડ થયું તે અંગે કોઈ સ્પષ્ટ દાવો ન કરી શકાય, પરંતુ એ ચોક્કસપણે કહી શકીએ કે ભારતનું અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું નથી.

ચીન પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ચીનનું આ મિશન 2026 માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ જવા માટે લોન્ચ કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ ચાંગ 7 રોવરને શેકલટન ક્રેટર નજીક લેન્ડ કરવાનો છે. માટે એવું કહી શકાય કે, ચીન વિશ્વમાં એવું દેખાવા માટે કે દક્ષિણ ધ્રુવ પર વિશ્વમાં પહેલા તેનું મિશન સફળ રહ્યું એટલા માટે કદાચ તે ઈસરો લોન્ચ થયેલ ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગેના દાવાને વારંવાર નકારી કાઢે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *