ભારત દ્વારા હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ચિંતાજનક, અમેરિકાએ કેનેડાની તપાસને સંપૂર્ણ સમર્થન આપવા યુએસના રાજનેતાની માગ
નવી દિલ્હી
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન રાજનેતા ઈલ્હાન ઓમરે એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આક્રમક રીતે જવાબ આપ્યો છે.
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યાને લઈને સંબંધોમાં વધુ કડવાશ આવી રહી છે ત્યારે ખાલિસ્તાની સમર્થકો સાથે ઉભા રહેલા કેનેડિયન નેતાઓની યાદી ઘણી લાંબી છે. જો કે આ યાદીમાં અમેરિકન રાજનેતા ઈલ્હાન ઓમરનું નામ પણ સામેલ છે. ઈલ્હાન ઉમરે ઘણીવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને સતત પાકિસ્તાનની વકીલાત કરી રહી છે ત્યારે તેણે ભારત-કેનેડા વિવાદ વચ્ચે એક નિવેદન આપ્યું હતું.
ઈલ્હાન ઓમરે એક્સ (અગાઉનું ટ્વીટર) પર પોસ્ટ કરીને આતંકવાદી હરદીપસિંહ નિજ્જરના મોતને લઈને ભારત પર સવાલો ઉઠાવતા લખ્યું હતું કે ભારત સરકાર દ્વારા હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ખુબ જ ચિંતાજનક છે. અમેરિકાએ કેનેડાની તપાસને સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ. અમે પણ આ વિશેની જાણકારીની વિનંતી કરી રહ્યા છીએ કેમકે અમેરિકામાં પણ આવા ઓપરેશન ચાલી રહ્યા છે. હવે આ સવાલનો શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આકરા પ્રહાર સાથે જવાબ આપ્યો છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ઇલ્હાન ઓમરે ઉઠાવેલા સવાલો પર જવાબ આપતા કહ્યું હતું કે કૃપા કરીને બેસો મેડમ પ્રતિનિધિ! જો આવું હશે તો એક સાંસદ તરીકે હું વિદેશ મંત્રાલયને વર્ષ 2022માં પાકિસ્તાનના ભંડોળ પર ઈલ્હાનની પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રવાસની તપાસ કરવા વિનંતી કરીશ.