દેશમાં એક કટ્ટરપંથી અભિયાન ચલાવાઈ રહ્યું છે જે લોકશાહીને અનુરૂપ ન હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું

વોશિંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને તેમના હરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં કંઇક અત્યંત ઘાતક થઈ રહ્યું છે જે દેશના લોકતંત્ર સામે ગંભીર ખતરો પેદા કરશે. અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારી સતત મજબૂત થઇ રહી છે અને એવું મનાય છે કે બાયડેનનું તાજેતરનું નિવેદન એ જ સંદર્ભમાં આવ્યું છે.
જો બાયડેને અમેરિકી રાજ્ય એરિઝોનામાં એક સંબોધનમાં કહ્યું હતું કે અમેરિકામાં કંઈક અત્યંત ઘાતક થઈ રહ્યું છે, દેશમાં એક કટ્ટરપંથી અભિયાન ચલાવાઈ રહ્યું છે જે લોકશાહીને અનુરૂપ નથી. બાયડેને કહ્યું કે આપણે સૌએ યાદ રાખવું જોઇએ કે લોકશાહીને હથિયારોના જોરે ખતમ નહીં કરી શકાય પણ તે ત્યારે જ ખતમ થઈ શકે છે જ્યારે લોકો ચુપ રહે અને મજબૂતાઈથી પડકારોનો સામનો ન કરે.
વિપક્ષી દળ રિપબ્લિકન સામે નિશાન તાકતાં બાયડેને કહ્યું કે રિપબ્લિકન પાર્ટીનું આજે મેગા મૂવમેન્ટના કટ્ટરપંથી સમર્થકો દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. કટ્ટરપંથીઓનો એજન્ડા, અમેરિકાના લોકતાંત્રિક સંસ્થાનોમાં બદલાવ લાવવાનો છે. ઉલ્લેખનીય છે કે મેગા મૂવમેન્ટ ટ્રમ્પના ચૂંટણી નારા મેક અમેરિકા, ગ્રેન અગેનનું નાનું સ્વરૂપ છે. બાયડેને કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંગત રીતે શક્તિશાળી બનાવાની ઈચ્છા ધરાવે છે અને તેમને લોકશાહીના સિદ્ધાંતો અને મૂલ્યોમાં વિશ્વાસ નથી. બાયડેને મેક અમેરિકા ગ્રેટ અભિયાનને દેશની રાજકીય વ્યવસ્થા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.